વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં સંતરામપુર પ્રાંત કચેરી ખાતે એસીબી દ્વારા લાંચના ગુનામાં એક કોમ્પુટર ઓપરેટર અને તેના વચેટિયા સામે ફરિયાદ નોંધી હતી. જોકે વચેટિયો હજુ પણ ધરપકડથી દૂર છે. ત્યારે કોમ્પ્યુટર ઓપરેટરે કોર્ટ સામે જામીન અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
ADVERTISEMENT
કેવી રીતે માગી હતી લાંચ
મહીસાગર જિલ્લામાં ACBએ ટ્રેપ કરતાં સંતરામપુર પ્રાંત કચેરીમાં એ. ટી.વી. ટી શાખાની ઓફિસ રૂમ. નં.૭ માં લાંચ સ્વીકારનાર હંગામી કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ મહોતભાઈ પટેલને ACBની જાંબાઝ ટીમે રંગે હાથ દબોચી લીધો હતો. લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરે મહીસાગર સેશન્સ કોર્ટમાં જમીન મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ એસ આર ડામોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ જજ એચ એ દવેએ જમીન મુક્ત થવાની અરજી નામંજૂર કરી છે.
નામદાર સેશન્સ જજે તેના ચુકાદામાં નોંધ્યું છે કે, હાલના સંજોગોમાં સરકારી કામકાજ કરાવવા માટે લાંચની રકમ માંગવાના અને સ્વીકારવાના કેસોમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થયો છે. સામાન્ય વ્યક્તિનું કામકાજ પૈસા આપ્યા સિવાય થતું નથી તેવી સમાજમાં એક છાપ ઊભી થઈ છે. આથી આવા આરોપી વિરુદ્ધનું પ્રથમ દર્શનીય કેસ રેકર્ડ પર લાવી શક્યો હોય તો તેને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં તેની અવળી અસર પડે અને આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓની આવું ગેરકાયદેસર કૃત્ય કરવાની હિંમત વધે જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને સેશન્સ કોર્ટે આ ઠરાવ સાથે લાંચિયા ઓપરેટરની જમીન મુક્ત થવાની અરજી ફગાવી દીધી છે.
ગુજરાતમાં દિવસ દરમિયાન મીની ચક્રવાતે જુઓ કેવા દ્રષ્યો સર્જ્યા- Videos
અત્રે નોંધનીય છે કે, મહીસાગર જિલ્લાની સંતરામપુર પ્રાંત કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આરોપી શૈલેષકુમાર મહોતભાઈ પટેલ જેમણે ફરિયાદીને ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો લેવાના હોય ફરિયાદી તથા એમના કાકાને જણાવેલ કે ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો લેવાના કામ માટે તમો આરોપી નંબર ૨ રિઝવાન ભૂરા સાથે વાત કરી લેજો. રિઝવાન ભૂરાએ ફરિયાદીને જણાવેલ કે સાહેબ રૂ.૯૦,૦૦૦/- કહેતાં હતાં પણ રૂ.૭૦,૦૦૦/- માં નક્કી કર્યું છે તો તમે રૂબરૂ પ્રમાણપત્ર લેવા આવો ત્યારે રૂ.૭૦,૦૦૦/- લેતાં આવજો તેમ કહી રૂ.૭૦,૦૦૦/- ની માંગણી કરેલ ત્યારે આ બાબતે જાગૃત નાગરિક ફરિયાદી દ્વારા ACBનો સંપર્ક કરતા સંતરામપુર પ્રાંત કચેરી ખાતે છટકું ગોઠવી અને આરોપી શૈલેષ પટેલને રૂપિયા 70 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
રાજકીય વગ ધરાવતો વચેટિયો હજુ સુધી ACB પક્કડ બહાર
સંતરામપુર પ્રાંત કચેરી લાંચ કેસમાં સાહેબ માટે લાંચની રકમ નક્કી કરનાર વચેટીયો સહ આરોપી રિઝવાન ભૂરા એક માસ જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી ACB પક્કડમાં આવ્યો નથી. રાજકીય વગ ધરાવતો વોન્ટેડ રિઝવાન ભૂરા ઝડપાય તો ફરિયાદમાં નોંધાયા મુજબ લાંચ માંગનાર સાહેબની સ્પષ્ટતા થાય તેમ જણાઇ રહ્યું છે. બીજી તરફ સેશન્સ કોર્ટે લાંચિયા ઓપરેટરની જામીન અરજી ફગાવતાં વચેટિયા વિરૂદ્ધ વધુ સકંજો કસાયો છે.
ADVERTISEMENT