Chaitar Vasava News: ગુજરાતના આદિવાસી નેતા અને ડેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેવી સામે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે જ તેઓ પોલીસ મથકમાં હાજર થયા હતા. ચૈતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ તેઓ એક મહિનાથી ફરાર હતા. આ અગાઉ તેમની આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
કોર્ટ રૂમમાં શું બન્યું?
આજે સવારે ધારાસભ્ય ચૈતર વસાવાને પ્રોલીસ પ્રોટેક્શન વચ્ચે ડેડિયાપાડા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં સરકાર વતી મુકેશ ચૌહાણ દ્વારા તેમના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બીજી તરફ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ સામે દલીલ કરીને પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાનાં મુદ્દાને પડકાર્યા હતા. જોકે કોર્ટ દ્વારા 18 ડિસેમ્બર 2023 તારીખે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે ધારાસભ્યને કોઈ પણ તકલીફ ના પડે એવા સૂચન સાથે રિમાન્ડ મંજૂર કર્યા હતા.
શું હતો મામલો?
ડેડિયાપાડામાં જંગલની અમુક જમીન પર ગેરકાયદેસર કબજો થયાનું ધ્યાને આવતા વન વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જમીન ખેડાણ બાબતે ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ધારાસભ્ય પર ધમકી આપવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
ADVERTISEMENT