અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં લોકભસા ચૂંટણી પહેલા એક બાજુ દિગ્ગજ નેતા સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો બીજી તરફ AAPમાંથી એક મોટા નેતાના કોંગ્રેસમાં જોડાવાની અટકળો ઉઠી છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધી યાત્રા યોજાઈ હતી, જેમાં AAPના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્કો શરૂ શરૂ થયા છે.
ADVERTISEMENT
રાજકોટ AAP નેતા વશરામ સાગઠિયા અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પદગ્રહણમાં પહોંચ્યા હતા. વશરામ સાગઠિયા અગાઉ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા. ત્યારે ફરી એકવાર તેઓ શક્તિસિંહ ગોહિલ સાથે કોંગ્રેસના કાર્યક્રમમાં દેખાતા રાજકીય અટકળો તેજ બની ગઈ છે. કોંગ્રેસના કાર્યકરો સાથે વશરામ સાગઠિયાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં AAP નેતા વશરામ સાગઠિયાની સાથે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી દેખાય છે. વીડિયોમાં વશરામ સાગઠિયા પોતાને કેમેરાથી છુપાવતા હોય તેમ દેખાઈ રહ્યું છે. અગાઉ રાજકોટમાં વોર્ડ નં. 15માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને બે કોર્પોરેટરો વશરામ સાગઠિયા અને કોમલ બારઈ AAPમાં જોડાયા હતા. બંને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામના રહેવાસી છે અને વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ AAPમાં જોડાયા હતા. તેમને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જોકે ભાજપના ઉમેદવાર સામે તેમની હાર થઈ હતી. હાલ તેઓ રાજકોટ વોર્ડ નં.15ના કોર્પોરેટર છે.
ADVERTISEMENT