આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની, PA અને ખેડૂત સામે વનકર્મીને મારમાર્યોનો ગુનો નોંધાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, ધારાસભ્યના P.A જીતેન્દ્ર વસાવા ખેડૂત રમેશ વસાવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા હજુ ફરાર છે. નર્મદા પોલીસ હાલ ચૈતર વસાવાને શોધી રહી છે. ચૈતર વસાવાના સમર્થકોના ડેડિયાપાડા બંધના એલાનને પગલે આજે ડેડિયાપાડા જડબેસલાક બંધ છે. આ વચ્ચે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના સમર્નન આવ્યા છે.તેમણે જણાવ્યું છે ભાજપે આ હુમલો ચૈતર વસાવા પર નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ પર કર્યો છે.
ADVERTISEMENT
અમે આદિવાસી સમાજના દિકરાને આગળ વધાર્યોઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે લખ્યું છે કે, ‘ભાજપે ગઈકાલે ‘આપ’ના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મોટા નેતા ચૈતર વસાવા સામે ખોટી ફરિયાદ નોંધાવી. ચૈતરભાઈના ધર્મપત્નીની પણ ધરપકડ કરી લીધી. ભાજપે ક્યારેય આદિવાસીઓને આગળ નથી આવવા દીધા, માત્ર તેમનું શોષણ જ કર્યું. જ્યારે ‘આપ’એ આદિવાસી સમાજના દિકરાને આગળ વધાર્યો તો ભાજપને તે સહન ન થયું. સમગ્ર આદિવાસી સમાજ ભાજપ પાસેથી આનો હિસાબ લેશે. ભાજપે આ હુમલો ચૈતર વસાવા પર જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ પર કર્યો છે.’
આદિવાસી સમાજના અવાજને કચડી નાખવાનો કર્યો પ્રયાસઃ પ્રવિણ રામ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઇ વસાવાની ઉપર થયેલી ફરિયાદ બાબતે આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ચૈતરભાઈ ઉપર ખોટી ફરિયાદ કરી ભાજપે ખાલી ચૈતરભાઈને ખતમ કરી દેવાના પ્રયાસની જગ્યાએ આદિવાસી સમાજના અવાજને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. આદિવાસી સમાજના અવાજને કચડી નાખવાના પ્રયત્નમાં ભાજપ એ હદ સુધી જતું રહ્યું કે આદિવાસી સમાજના મહિલાને પણ ખોટી રીતે ચંડોવી જેલના સળિયાની પાછળ ધકેલી આદિવાસી સમાજના સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે. આદિવાસી સમાજના સ્વાભિમાનની વાત હોય ત્યારે તમામ આદિવાસી સમાજે બહાર નીકળી ગાધી ચીધ્યાં માર્ગે અવાજ ઉઠાવવો જોઈએ
દરેક યુવાન ચૈતરભાઈની સાથેઃ યુવરાજસિંહ જાડેજા
તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ‘ચૈતરભાઇ વસાવા સાથે બનેલ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ વિકટ સમયમાં ગુજરાતનો દરેક યુવાન આદરણીય ચૈતરભાઈ વસાવા સાથે ખભોથી ખભો મિલાવી ઊભો રહેશે.’
ADVERTISEMENT