Gujarat Political News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી નબળી પડી રહી છે. આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રભારી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકને રાજીનામાનો પત્ર લખીને મોકલ્યો છે.
ADVERTISEMENT
ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું
પ્રો. અર્જુન રાઠવાએ લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘હું આપને મારી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકેની જવાબદારીમાંથી તેમજ સામાન્ય સભ્યપદેથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.’ જોકે તેમણે અચાનક રાજીનામું શા માટે આપ્યું તે પાછળનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
એક બાજુ 2024ની લોકસભા ચૂંટણી ખૂબ નજીક છે, એવામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થવાની જગ્યાએ એક બાદ એક નેતાઓ તેને હાથ છોડી રહ્યા છે. ત્યારે હવે પાર્ટીના જ વાઈસ પ્રેસિડેન્ટે અચાનક રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે અને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે પ્રો. અર્જુન રાઠવા આગામી સમયમાં અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે કે કેમ.
તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 2014માં છોટા ઉદેપુર લોકસભાની ચૂંટણી લડી છે. તો 2022માં પણ તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જન્મેલા અર્જુન રાઠવાએ યુ.કેથી એમ.એ નો અભ્યાસ કર્યો છે. તેમણે એમ.ફીલની ડીગ્રી મેળવી છે. તેઓ છેલ્લા 17 વર્ષથી આદિવાસીઓના પ્રશ્ને કાર્યરત છે. જ્યાં પાવી જેતપુર આર્ટસ કોલેજમાં તેવો લાંબા સમયથી અંગ્રેજીના પ્રોફેસર છે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT