રાજકોટ : તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડથી સરકાર અને તંત્રની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. જો કે હજી પણ સરકાર કે તંત્ર જાગ્યા હોય તેમ નથી લાગી રહ્યું. જસદણમાં ચાર યુવાનોએ ન માત્ર જાહેરમાં દારૂ પીધો પરંતુ દારૂ પીધા બાદ મોજમસ્તીનાં નામે ધમાલ પણ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમામ યુવાનો જાહેરમાં ફિલ્મી ગીતો પર જાહેરમાં દારૂ ગટગટાવી રહ્યા છે અને નાચી રહ્યા હોય તેવો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, દારૂની મહેફીલ જાહેર સ્થળ પર ચાલી રહી હતી.
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. કાયદો અને વ્યવસ્થા જેવી સ્થિતિ તો હવે બચી નથી પરંતુ હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા માટે કાર્યવાહી કરી રહી છે. હાલ આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ પોતે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે આદેશ આપ્યા ત્યારે સ્થાનિક પોલીસ કુંભકર્ણ નિંદ્રામાથી જાગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેરમાં દારૂ પી રહેલા યુવાનોને સ્થાનિક પોલીસ પર કેટલો વિશ્વાસ હશે કે તેમને કંઇ જ નહી થાય તેથી જ તેઓએ જાહેર સ્થળ પસંદ કર્યું. એક બીજા પર જાહેરમાં દારૂ ઢોળીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહેલા યુવાનો પૈકી કેટલાક દારૂની બોટલમાંથી સીધો જ દારૂ ફિલ્મી સ્ટાઇલે ગટગટાવી રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. હાલ તો આ વીડિયો બાદ પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઇ છે.
ADVERTISEMENT