શિક્ષણ મંત્રીના જ વિસ્તારમાં પ્રાંત અધિકારીએ પરીક્ષામાં ચોરી કરી? જાણો શું છે મામલો

વિરેન જોશી, મહીસાગર: જિલ્લામાં કડાણા તાલુકામાં ધોરણ 12 ના ગુજરાતી ભાષાના પેપરમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે. ગેરરીતિની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુધી પહોંચી…

gujarattak
follow google news

વિરેન જોશી, મહીસાગર: જિલ્લામાં કડાણા તાલુકામાં ધોરણ 12 ના ગુજરાતી ભાષાના પેપરમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે. ગેરરીતિની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુધી પહોંચી છે. આ કચેરીમાં બે અરજી કરવામાં આવી છે. એક અરજીમાં સંતરામપુરના પ્રાંત અધિકારી અને કલાર્ક પર જ પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપથી જિલ્લા શિક્ષણ વિભાગમાં હડકંપ મચ્યો છે. તથા અનેક સવાલો ઉઠયા છે.

રાજ્યના શિક્ષણમંત્રીના મતવિસ્તાર કડાણા તાલુકામાં આવેલ એકલવ્ય સ્કૂલમાં ધોરણ 12 માં ગુજરાતી વિષયના પેપરમાં ગેરરીતી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે માહિતી અધિકાર હેઠળ સીસીટીવી ફૂટેજની માંગણી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને સદર બાબતે તપાસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ ઘટનાથી રાજયના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રથમ અરજીમાં સીસીટીવી ચેક કરવા કરી માંગ
એકલવ્ય સ્કૂલ દીવડા કોલોનીના જાહેર માહિતી અધિકારી આચાર્ય પાસેથી વકીલાતનો વ્યવસાય કરતા અરજદાર મનોજકુમાર પરમારે શાળામાં તા-24 માર્ચના રોજ લેવાયેલી ગુજરાતી પેપર ની પરિક્ષામાં બપોરના 3 થી 6.30 વાગ્યા સુધીમા સુપરવાયઝરનું નામ તેમજ પરિક્ષાના સમયના સી સી ટીવી ફૂટેજ કોપીની માંગ કરી છે. વધુમાં અરજદારે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરી એકલવ્ય સ્કૂલ દીવડા કોલોનીના તા-24 માર્ચના રોજ બ્લોક નંબર 30 માં ગેરરીતી થવા બદલ તપાસની માંગ કરતાં અરજી કરતા જણાવ્યું છે કે તા- 24 માર્ચના રોજ લેવાયેલી ગુજરાતીના પેપરના દિવસે અમુક અનધિકૃત વ્યક્તિઓં કંપાઉન્ડમાં નજરે પડ્યા હતા. અને પરીક્ષ માં ગેરરીતી થયેલી શંકાઓ છે જેથી સ્કૂલ કંપાઉન્ડના બપોર ના 2 થી 6.30 વાગ્યાના સી સી ટીવી કેમેરા ચેક કરી અને બ્લોક નંબર 30 ની અને બ્લોક નંબર 30 ની બહાર ની સાઈડ સી સી ટીવી કેમેરા ચેક કરી યોગ્ય તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

પ્રાંત અધિકારી અને કલાર્ક પર પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ
અરજદારે મહીસાગર જીલ્લા શિક્ષણાધિકારીને એકલવ્ય સ્કૂલ દિવડા કોલોનીમાં તા-24/03/2023 ના રોજ ભાષાના પેપરમાં થયેલ ગેરરીતી બાબતે કરેલ વધુ એક અરજીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ અરજીમાં કડાણા તાલુકાની એકલવ્ય સ્કૂલ દિવડા કોલોનીમાં તા-24/03/2023 ના રોજ ભાષાના પેપરમાં બપોર બાદના ગુજરાતી ભાષાના પેપરમાં બ્લોક નં-30 માં કૌશિકભાઈ વજીરભાઈ જાદવ નામના પરિક્ષાર્થીએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી વાહન સ્કૂલના પ્રતિબંધિત વિસ્તારમાં આવે છે. ખાનગી માણસ શૈલેશભાઈ એમ પટેલ સાથે સ્કૂલમાં ગયેલ હતા ત્યારબાદ કૌશિકભાઈનો ખાનગી માણસ આશરે ત્રણ કલાક જેટલો સમય શાળાની ઓફીસ રૂમમાં બેસી કોઈ ગેરરીતી કરેલ હોવાનું માલૂમ પડેલ છે.

કાર્યવાહી કરવા વિનંતી કરી
આ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર દધાલીયા સ્કૂલના એક ક્લાર્ક અને cctv ના ખાનગી ઓપરેટર મારફતે સ્કૂલમાં ગયા હતા અને શાળાના બિલ્ડીંગ કંડક્ટર સાથે આ કૌશિકભાઈ ના રૂમમાં કોઈ મદદની જરૂર છે તેવી પૂછપરછ પણ કરે છે જેથી આવા અનાધિકૃત માણસો પરીક્ષા કમ્પાઉન્ડમાં કઈ રીતે પ્રવેશ કરી શકે? જે તપાસનો વિષય હોય એકલવ્ય સ્કૂલ દિવડા કોલોનીના ખાસા કરીને કમ્પાઉન્ડ cctv ની ચકાસણી કરી આ કૌશિકભાઈ જાદવ અને ખાનગી માણસો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આ અરજીમાં જણાવેલ કૌશિક જાદવ સંતરામપુર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે અને શિક્ષણમંત્રીના મતવિસ્તારના પ્રાંત અધિકારીએ પોતે ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપથી રાજ્યના શિક્ષણ જગતમાં તેમજ વહીવટીતંત્રમાં ચકચાર મચી જવા પામી છે આ સમગ્ર બાબતે અરજદાર વકીલે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રથમ અરજી મેં કરી છે જો કે આ બીજી અરજી અંગે અરજદારનું કહેવું છે કે આ નામજોગ અરજી તેમણે નથી કરી તો અરજી કોણે કરી તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો:ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ ભભૂકી, લાખો રૂપિયાના નુકસાનની ભીતિ

શિક્ષણ વિભાગ દ્વારા તમામ અરજીઓના અનુસંધાને તપાસના આદેશ
મહીસાગર જિલ્લાના શિક્ષણ વિભાગના વહીવટી અધિકારી જીગર પટેલ સાથે આ સમગ્ર બાબતે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઓફીસમાં બંને અરજીઓ આજે મળી છે. અને અરજીમાં ધોરણ 12 ના ગુજરાતી ભાષા પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તેવું અરજીમાં જણાવ્યું છે. આ અરજીના અનુસંધાને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી અન્ય ટીમ કરે છે તેની પાસેથી વિગતો માંગવામાં આવી છે ત્યારે સત્ય શું છે તે તો તપાસમાં બહાર આવશે ત્યારે આ સમગ્ર ગેરરીતિનો મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp