રાજેશ આંબલીયા, મોરબી: શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને આપને નવાઈ લાગશે. પોલીસ તરીકે ફરજ બજાવતા પતિને તેની પત્નીએ તેની જ લાકડી વડે બેફામ માર મારતા કાન ઉપર, માથાના ભાગે ઇજાઓ થતા પોલીસ પતિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે માથાભારે પત્ની વિરુદ્ધ તેમના જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવી પડી છે.
ADVERTISEMENT
મોરબીમાં ઘટેલ કિસ્સાની વિગત જોઈએ તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા અને મોરબી શહેરના પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ આવેલ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટમા રહેતા જનકભાઇ છગનભાઇ મારવાણીયા ઉ.37 નામના પોલીસ જવાનને તેમના જ પત્ની મનીષાબેનએ દવા લેવા જવું છે કહી ઘરે બોલાવી લાકડીએ લાકડીએ ઢીબી નાખ્યા હોવાની ફરિયાદ તેમના જ પોલીસ મથકમાં નોંધાવી છે.
પાડોશીએ બચવ્યો વધુ મારથી
ASIએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ પહેલા સિરામિકમાં કામ કરતા તેમના નાના ભાઈ પોતાનું મોટર સાયકલ લઈ ગયા હોય જે તેમના પત્ની મનીષાબેનને ગમ્યું ન હતું. જેથી ગઈકાલે તેઓ ઘેર ગયા ત્યારે મને પૂછ્યા વગર મોટર સાયકલ કેમ આપ્યું તેમ કહી પોલીસની પ્લાસ્ટિકની લાકડી લઈ બેફામ માર મારતા માથાના ભાગે, કાન પાસે અને હાથમાં ઇજાઓ થવા પામી હતી. મનીષાબેન પોતાના પતિ જનકભાઈને માર મારી રહ્યા હતા ત્યારે તેમની દશ વર્ષની પુત્રી વિધિ આવી જતા તેણે રાડા રાડી કરતા આડોશી પાડોશી આવી જતા જનકભાઈ વધુ મારથી બચી ગયા હતા.
12 વર્ષ પહેલા થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, જનકભાઈના લગ્ન 12 વર્ષ પહેલા મનીષાબેન સાથે થયા હતા અને મનીષાબેનને સાસુ, સસરા કે જનકભાઈના ભાઈઓ સાથે સંબંધ પસંદ ન હોય બન્ને પતિ પત્ની વચ્ચે મેળમિલાપ ન હોવાનું અને અગાઉ મનીષાબેને પોલીસમેન પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પત્ની પીડિત ASI જનકભાઈની ફરિયાદને આધારે મનીષાબેન વિરુદ્ધ આઈપીસી કલમ 324, 323, 504, તથા જી.પીએકટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT