Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે. હાલ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. તો આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આર્મ્સ એક્સ હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે.
ચાંદખેડામાં એક શખ્સે કર્યું ફાયરિંગ
સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે રાત્રીના સમયે એક શખ્સે અચાનક બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જે બાદ લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ફાયરિંગ કર્યા બાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંહ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હતું. જે બાદ ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે આ આરોપીની શોધખોળ શરૂ કરી છે. હાલ ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો છે અને તે પોલીસ પકડથી દૂર છે.