આદમખોર દીપડાનો હાહાકાર: પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવેલી બાળકીને ફાડી ખાધી, વનવિભાગનું મૌનવ્રત

Junagadh News: જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. લીલી પરિક્રમાને લઈને ભક્તોમાં અનેરો…

gujarattak
follow google news

Junagadh News: જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. લીલી પરિક્રમાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રકૃતિના ખોળે આ પવિત્ર વાતાવરણમાં આનંદ ઉલ્લાસ સાથે ભક્તો ભક્તિની મોજ માણી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ પરિક્રમામાં બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. બાળકીના મૃત્યુ બાદ લીલી પરિક્રમા કરવા આવેલા ભક્તોમાં ફફડાટ ફેલાયો છે.

પરિવાર સાથે પરિક્રમા કરવા આવી હતી બાળકી

મળતી માહિતી અનુસાર, રાજુલા ખાતે રહેતી 11 વર્ષીય બાળકી પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા માટે આવી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે પરિક્રમા રુટ પરના બાવર કાટ વિસ્તારમાં એક આદમખોર દીપડો ચઢી આવ્યો હતો અને દીપડાએ આ બાળકી પર હુમલો કર્યો હતો.

ઘટનાસ્થળે દોડી આવ્યા અધિકારીઓ

આદમખોર દીપડો બાળકીને ઉઠાવી 50 મીટર અંદર જંગલમાં ઢસેડીને લઈ ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જંગલમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિવારમાં છવાયો માતમ

જે બાદ બાળકીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં CCF સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હાલ દીપડાને પકડવા પરિક્રમા રૂટ પર વન વિભાગે પાંજરા મૂક્યા છે. તો બાળકીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાયો છે.

(વિથ ઇનપુટઃ ભાર્ગવી જોશી)

    follow whatsapp