Ankleshwar News: આંધ્રપ્રદેશના વિશાખાપટનમમાં તરખાટ મચાવનાર રીઢા ચોરને યોગ્ય બાતમીના આધારે LCBની ટીમે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. હાલ LCBની ટીમે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે, સાથે જ તેની ગેંગના અન્ય સભ્યોની શોધખોળ પણ હાથ ધરી છે.
12 સપ્ટેમ્બરે થઈ હતી ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 12મી સપ્ટેમ્બરમા રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટમ એક જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાનો ગુનો વિશાખાપટનમના પી.એમ.પાર્લમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે બાદ પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી.જોકે, તેઓનો કોઈ અત્તોપત્તો મળી આવ્યો નહોતો.
આંધ્રપ્રદેશની ટીમ પહોંચી અંકલેશ્વર
જેના થોડા દિવસ બાદ આંધ્રપ્રદેશ પોલીસને જ્વેલર્સની દુકાનમાં ધાર પાડનારા ગેંગના 2 સભ્યો મુન્ના પાસવાન અને રામ સંજીવન ઉર્ફે રાજુરામ સબતવિશ્વકર્મા ગુજરાતના અંકલેશ્વરમાં હોવાની માહિતી મળી હતી. જેથી આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ અંકલેશ્વર ખાતે પહોંચી હતી અને સ્થાનિક પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ વહેલી તકે બંને આરોપીઓને ઝડપી ચોરીનો ભેદ ઉકેલવાની સૂચનાઓ આપી હતી.
LCBને મળી હતી બાતમી
આ દરમિયાન ભરૂચ એલસીબીના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એમ રાઠોડની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે ‘સીસીટીવી ફુટેજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા દેખાતો ઈસમ મુન્ના પાસવાન હાલમાં વાલિયા ચોકડી ખાતે ઊભો છે.’ આ બાતમીના આધારે એલસીબીની ટીમ વાલિયા ચોકડી ખાતે પહોંચી હતી અને મુન્ના પાસવાનને ઝડપી પાડ્યો હતો.
પોલીસે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી
તેની પૂછપરછ કરતા તેણે મિત્ર રામ સંજીવન ઉર્ફે રાજુરામ અને તેના બે મિત્રોની સાથે મળીને વિશાખાપટનમના એક જ્વેલર્સ દુકાનમાં રાત્રીના સમયે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તો કોસંબાની એલ્યુમિનિયમ કંપનીમાં ચોરી હોવાની પણ કબૂલાત કરી હતી. જે બાદ ટીમે મન્ના પાસવાન પાસેથી 6 મોબાઈલ, ગ્રાઈન્ડર મશીન, રોકડ રૂપિયા કુલ મળીને 32,070 રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે તેની સાથે ચોરીની ઘટનાને અંજામ આપનારા અન્ય ઈસમોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.