જામનગર : સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ તેનાથી સૌથી વધારે પ્રભાવિત જોવા મળી રહ્યા છે. તેવામાં આજે લમ્પી અંગેની કામગીરી જોવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા હતા. અહીં તેઓની કલેક્ટર સાથે બેઠક યોજાઇ હતી. આ ઉપરાંત તેમણે લમ્પી વાયરસના વેક્સિનેશન અને સારવાર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. 30 લાખના ખર્ચે ઉભા કરાયેલા સારવાર કેન્દ્રની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી હતી.
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રમુખે કહ્યું સંવેદનહીન સરકારમાં રહેવું જ નથી
જો કે આ બેઠક દરમિયાન શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ આથ્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. પ્રમુખે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ કંઇ અઘટીત કરે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા હાલ તો તેમની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
કલેક્ટર કચેરીમાં ઉપર CM હતા અને નીચે બની ઘટના
કલેક્ટર કચેરીનાં બીજા માળે બેઠક ચાલી રહી હતી. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની ગાડી લઇને આવ્યા હતા. કોંગ્રેસનાં મહામંત્રી અને કાર્યકર્તાઓ સહિત અન્ય પદાધિકારીઓ પણ હાજર હતા. પ્રમુખે ગાડીમાંથી કેરોસીનનું ડબલું કાઢીને પોતાના શરીરે છાંટવાનું શરૂ કર્યું હતું. જો કે કોઇ કાંઇ સમજે તે પહેલા જ પોલીસ જવાનોએ તેને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરી હતી.
જામનગર લમ્પીથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ પૈકી એક
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર લમ્પીના સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ પૈકીનો એક છે. 1.38 લાખથી વધારે પશુમાં આ વાયરલ ફેલાઇ ચુક્યો છે. જામનગરમાં 11 હજારથી વધારે પશુઓને રસી અપાઇ ચુકી છે. વાયરસ લાગ્યો હોય તેવા 5405 પશુઓની હાલ સારવાર ચાલી રહી છે. ઉપરાંત 106 પશુના મોત થઇ ચુક્યાં છે.
ADVERTISEMENT