કામિની આચાર્ય, મહેસાણા : શહેરમાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ઝઘડો થતાં એકબીજા ઉપર ખુરશીઓના છુટા ઘા કર્યા હતા. મંડપમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં હાજર લોકો વચ્ચે અચાનક ખુરશીઓ ઉડવા લાગતા નાસભાગ મચી જવા પામી હતી. મંડપની 100 થી વધુ ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
મહેસાણા ઘસવા વિસ્તાર પાસે આવેલ ઇન્દિરા નગર વસાહત પાસે રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમૂહ લગ્નમાં ડીજે માં આસપાસના વિસ્તારના લોકો નાચવા આવી પહોંચતા બબાલ થઈ હતી. જ્યાં એકાએક બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. અને બંને પક્ષોએ સામસામે ખુરશી ફેકવાનું ચાલુ કર્યું હતું. શાંત વાતાવરણમાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગમાં અચાનક જ ખુરશીઓ ઉછળવા લાગતા મંડપમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. આયોજકોએ તમામ લોકોને શાંત પાડતા મથામણ કરતાં રહ્યા અને સમૂહ લગ્નમાં ખુરશી ઉલળતી હતી.
સામસામે નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર ઘટના બાબતે મનીષકુમાર ચૌહાણ નામના ફરિયાદીએ જણાવ્યું હતું કે રોહિત સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો ડીજેના તાલ ઉપર ઝૂમી રહ્યા હતા ત્યારે ચિત્રોડી વસાહત પાસે રહેતા લોકોનો એક સમૂહ ત્યાં લગ્નમાં એકાએક નાચવા આવી ગયા હતા. જેમને રોકવામાં આવતા શૈલેષ સેનમાં , રાજુ સેનમાં તથા બળવંત સેનમાં નામના યુવકોએ મંડપમાં પડેલી ખુરશીઓ ઉપાડી ફેકવાનું એકાએક ચાલુ કર્યું હતું. અને મારામારી કરી હતી જ્યારે બીજી બાજુ સામા પક્ષે ચિત્રોડીપુરા વસાહતમાં રહેતા મનોજ સેનમાં એ જણાવ્યું હતું કે, કુકસ રોડ પર યોજાયેલા સમૂહ લગ્નમાં આવીને ગાળા ગાળી કરતા તેમજ નજીકમાં પડેલી ખુરશી લઈને મારતા તેને બચાવવા માટે બૂમો પાડી હતી. જેથી નજીકની વસાહતમાં રહેતા અન્ય યુવાનો તેને બચાવવા આવતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો.
ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમૂહ લગ્ન સ્થળ પાસે ઉભેલી મહેમાન ની કારના કાચ પણ તુટ્યા હતા. ખુરશી સાથે મંડપને પણ નુકસાન થયું હતું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ સમૂહ લગ્ન મહેસાણાના કસ્બાથી કુકસ રોડ પર હતા. જ્યારે હોબાળા મામલે મહેસાણા શહેરની એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. જે સંદર્ભે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT