(પ્રતિકાત્મક તસવીર)
ADVERTISEMENT
ભાવનગર : ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યું અને એક સાથે 9 લાખથી વધારે લોકોના હૃદય પર કુઠારાઘાત થયો હતો. બીજા જિલ્લામાં ગયેલા લાખો વિદ્યાર્થીઓને પેપર ફુટ્યું અને રદ્દ થયાના સમાચાર મળતાની સાથે જ ભાંગી પડ્યા હતા. અનેક લોકોને તો જાણે ભવિષ્ય જ ધુંધળું થઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
પેપર ફુટતા વિદ્યાર્થીનીને લાગી આવ્યું અને દવા ગટગટાવી
આવા જ એક કિસ્સામાં ભાવનગર જિલ્લાના હાથબ ગામે પાયલ બારૈયા નામની યુવતીએ પેપર ફુટ્યાના દિવસે જ ઘરે આવીને ઝેરી દવા ગટગટાવી હતી. જેના પગલે તત્કાલ તેમના પરિવાર દ્વારા ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં છેલ્લા 13 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. જો કે 13 દિવસની સારવાર બાદ યુવતી જીવન સામેનો જંગ હારી ગઇ હતી.
હાલ તમામ આરોપીઓ જેલ ભેગા કરી દેવાયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરીને 15 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પ્રિન્ટિંગ પ્રેસથી માંડીને ગુજરાતમાં ટ્યુશન ક્લાસના સંચાલકો સુધીની આખી કાર્ટેલ ઝડપી લીધી હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં છે. જો કે કાયદો નહી હોવાના કારણે આ લોકો વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા નહીવત્ત છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી મોટા ભાગના આરોપીઓ રીઢા છે અને અન્ય અનેક પેપરકાંડમાં પણ સંડોવાયેલા છે.
ADVERTISEMENT