Jamnagar News: જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
કસરત કરતા ઢળી પડ્યો હતો કિશન
મળતી માહિતી અનુસાર, જામનગરની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતો કિશન હેમંતભાઈ માણેક (ઉં.વ 19) નામનો યુવક ગતરોજ જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. કિશન અચાનક બેભાન થઈ જતાં જીમમાં દોડાદોડી મચી ગઈ હતી.
ડોક્ટરે જાહેર કર્યો મૃત
જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો આ અંગેની જાણ થતાં પરિવારજનો પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ કિશનને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પરિવારમાં શોક
પ્રાથમિક તપાસ બાદ હોસ્પિટલના તબીબે કિશનનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. યુવાન પુત્રના મોતથી PGVCL અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે?
કામનું પ્રેશર: આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
જંક અને ફાસ્ટ ફૂડ: આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે.
તણાવ: યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
ધૂમ્રપાન અથવા આલ્કોહોલ: કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે
ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર
ADVERTISEMENT