ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી સંભળાયો, AMCના વિપક્ષ નેતા બદલવા માટે કોંગ્રેસના 9 જેટલા કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસમાં સતત બદલાવ થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ કોંગ્રેસનો કકળાટ દિલ્હી સુધી સંભળાય…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસમાં સતત બદલાવ થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ કોંગ્રેસનો કકળાટ દિલ્હી સુધી સંભળાય છે. અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા બદલવા માટે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો જીદે ચડયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરો વિપક્ષ નેતાની બદલી માટે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. 9 જેટલા કોર્પોરેટરે કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી છે. જો કે આ અગાઉ પ્રદેશ કાર્યાલય ખાતે પણ વિપક્ષ નેતા બદલવાને લઈ ભલામણ કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા શહેદાન ખાન પઠાણને બદલવા મામલે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના 9 કોર્પોટરોએ દિલ્હી ધામા નાખ્યા છે. જેમાં ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા સહિતના કોર્પોરેટરો દિલ્લી મુલાકાત પહોંચ્યા છે. થોડા દિવસ વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે આ કાઉન્સિલરો પ્રદેશ કાર્યલાય ખાતે પણ ગયા હતા. પ્રદેશ કાર્યાલયમાં પણ વિપક્ષ નેતા બદલવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે દિલ્હીમાં 9 જેટલા કોર્પોરેટરે કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. જેની અસર રાજ્યસભાની ચૂંટણી પર પણ પડશે અને લોકસભા પર પણ પડી શકે છે. કોંગ્રેસના આંતરિક વિવાદને ડામવા કોંગ્રેસે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા છે. ત્યારે જગદીશ ઠાકોરના કાર્યકાળ દરમિયાન AMCમાં વિપક્ષનેતા બદલવાની માંગને લઈ હવે કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું કે શહેદાન ખાન પઠાણને કોંગ્રેસ યથાવત રાખશે કે જગદીશ ઠાકોરે આપેલ ફોર્મેટ એક – એક વર્ષ એમ ચાર કાઉન્સિલરોને વિપક્ષ નેતા પદ મળશે તેવી ફોર્મ્યુલા અપનાવશે.

    follow whatsapp