હેતાલી શાહ/ખેડા: સામાન્ય બાબતે થયેલી તકરાર ક્યારે જીવલેણ બની જાય છે તેનો ખ્યાલ જ નથી રહેતો. આવી જ ઘટના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નારના મુવાડા ખાતે બની હતી. જ્યાં સામાન્ય ઉકરડાની બાબતમાં થયેલી બોલાચાલી મારા મારી પર પહોંચી હતી અને તેમાં એકનું મોત થયું હતું. જે વ્યક્તિનું મોત થયું એની હત્યાના ગુનામાં સાત લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. જો કે મહત્વનું છે કે આ ગુનામાં આઠ લોકો સામેલ હતા અને આઠ લોકો સામે કેસ ચાલી રહ્યો હતો, પરંતુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત થતાં સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ગુનામાં જે 7 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે એમાંથી 5 આરોપીઓ માત્ર 25 વર્ષની આસપાસની ઉમરના જ છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નારના મુવાડા ખાતે રહેતા મૃતક વિનોદભાઈ પ્રજાપતિ પોતાના ઘરે પશુ રાખી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેને લઈને ઘરની આસપાસ ઢોરઢાંખરના છાણાનો ઉકરડો પડેલો હતો. આ ઉકરડા ઉપર પડોસમાં રહેતા ભવનભાઈ પરમારે કપાસની ગાસડીઓ નાખી ઉકરડો દબાવી દીધો હતો. જે બાબતે વિનોદભાઈને ભવનભાઈ પરમાર સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તારીખ 5 મે 2020 ના રોજ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ભવાનભાઈ પરમાર વિનોદભાઈ પ્રજાપતિના ઘર પાસે પહોંચ્યા અને ઉકરડો હટાવવા માટેની જાણ કરી હતી. આ સમયે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી બાદ મૃતક વિનોદભાઈના પિતા અને તેમના ભાઈ સહિત તમામ આ અંગેની ફરિયાદ કરવા માટે કપડવંજ પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. તે દરમિયાન વિનોદભાઈ અને તેમના ધર્મ પત્ની શીતલબેન ઘરે હતા તે વખતે આશરે 6 વાગ્યાના અરસામાં આરોપી ભવાનભાઈ પરમાર ફરીથી મૃતક વિનોદભાઈ અને તેમના ધર્મપત્ની શીતલબેનને ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જોત જોતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી. જોકે આરોપી ભવાનભાઈ પરત ગયા અને પોતાના પરિવારના અન્ય સભ્યોને લઈને પાછા આવ્યા. બાદમાં વિનોદભાઈને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ખેંચી લઇ આવી જીવલેણ હુમલો કર્યો હતો.
દરમ્યાન તેમના પરિજનો પહોંચતા મૃતકના પરિજનો પણ છોડાવવા વચ્ચે પડયા હતા. 8 આરોપીઓએ પરિજનોને પણ લાકડી અને પથ્થરથી માર માર્યો હતો. જોકે આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદભાઈને સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. જેને લઈને મૃતકની પત્ની શીતલબેન દ્વારા કપડવંજ રૂરલ પોલીસ મથકે પોતાના પતિની હત્યા અંગે 8 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ આજે કપડવંજ સેશન કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મિનેશ પટેલે 36 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
જોકે કેસના ટ્રાયલ દરમ્યાન 1 આરોપી અલ્પેશ ઉર્ફે સંજય પરમારનું નડિયાદ બિલોદરા જેલ ખાતે મોત થયું હતું. જોકે દસ્તાવેજી પુરવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કપડવંજ સેશન્સ કોર્ટના સેશન જજ વી.પી અગ્રવાલે સાત આરોપીને આજે કપડવંજ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે સાથે મૃતક વિનોદભાઈની પત્ની શીતલબેનને 2 લાખ રૂપિયા વિકટીમ કમ્પન્શેશન સ્કીમ હેઠળ આપવાનો પણ હુકમ કર્યો છે.
એક સાથે પરિવારના 7 લોકોને આજીવન કેદની સજા થતાં પરિજનો ચિંતિત બન્યા હતા. આ કેસમાં એક જ પરિવારના 7 લોકોમાંથી 5 આરોપીઓ માત્ર 20 થી 25 વર્ષની ઉંમરનાં જ છે. જેને લઇને પરિજનોને આ ચુકાદો સાંભળ્યો એની સાથે જ રડી પડ્યા હતા. જે સમયે આરોપીઓને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ ખુબજ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે આરોપીઓને સજા થઈ છે એ આરોપીઓની હાલની ઉંમર આ પ્રમાણે છે.
ભવાનભાઈ ઉંમર 24 વર્ષ
વિજયભાઈ ઉંમર 23 વર્ષ
અજયભાઈ ઉંમર 22 વર્ષ
સુનીલભાઈ ઉંમર 21 વર્ષ
બાબુભાઈ ઉંમર 50 વર્ષ
વિઠ્ઠલભાઈ સોમાભાઈ ઉંમર 54 વર્ષ
ADVERTISEMENT