Navsari News: નવસારીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રવિવારના દિવસે દાંડીના દરિયાકાંઠે પરિવાર સાથે ફરવા આવેલા 7 લોકો ડૂબી જતાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે, પોલીસ જવાન અને હોમગાર્ડ દ્વારા 3 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે માતા અને બે દીકરાઓ સહિત 4 લોકો હજુ પણ લાપતા છે. તેઓની દરિયામાં શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.
ADVERTISEMENT
દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા લોકો
મળતી માહિતી અનુસાર, આજે રજાના દિવસે દાંડીના દરિયાકાંઠે મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા. લોકો દરિયાકાંઠે ન્હાવાની મજા માણી રહ્યા હતા. આ વેળાએ અચાનક જ અલગ-અલગ પરિવારોના 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી અહીં હાજર લોકોએ બૂમાબૂમ કરતાં દરિયાકાંઠે તૈનાત પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો દોડી આવ્યા હતા.
અચાનક ડૂબ્યા 7 લોકો
જે બાદ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય સુશિલાબેન નામના મહિલા તેમના પુત્રો યુવરાજ અને દક્ષરાજ, સુશિલાબેનના બહેનની દીકરી દુર્ગાની શોધખોળ હાથ ધરી હતી.
ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર
દરિયામાં પ્રવાસીઓ ડૂબ્યા હોવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો નવસારી જિલ્લા કલેકટર પણ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા. હાલ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા હતા. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરી રહ્યા છે.
4 લોકોની શોધખોળ ચાલું
(1) દક્ષરાજ રાજપૂત (ઉં.વ 11)
(2) યુવરાજ રાજપૂત (ઉં.વ 17)
(3) દુર્ગા રાજપૂત (ઉં.વ 17)
(4) સુશિલા રાજપૂત (ઉં.વ 42)
ADVERTISEMENT