મહિસાગરમાં ‘હર ઘર નલ’ યોજનામાં ભ્રષ્ટાચારની તપાસમાં સહયોગ ન કરતા 7 કર્મચારીઓ ફરજ મોકૂફ

વીરેન જોશી/મહિસાગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ‘હર ઘર નલ’ યોજનાનું બાળ મરણ કરનાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ થઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે.…

gujarattak
follow google news

વીરેન જોશી/મહિસાગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ‘હર ઘર નલ’ યોજનાનું બાળ મરણ કરનાર અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ થઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિજિલન્સ તપાસમાં સહકાર ન આપતા યુનિટ મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા મહીસાગર જિલ્લા વાસમોના યુનિટ મેનેજર સહિત અન્ય છ જેટલા કર્મચારીઓને વડી કચેરી દ્વારા ફરજ મોકૂફીના આદેશ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

કેમ કરવામાં આવ્યા ફરજ મોકૂફ
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ , મહિસાગર ખાતે ‘નલ સે જલ’ની કામગીરી દરમ્યાન ગેરરીતિ અંગેની ફરિયાદોના સંદર્ભમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિજિલન્સ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ટીમના સભ્યોને જરૂરી દસ્તાવેજો પુરા પાડવામાં આવતા નથી અને પુરતી માહિતી આપવામાં આવતી નથી . આમ કરીને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ , મહિસાગર ખાતે કર્મચારીઓ દ્વારા તપાસમાં વિક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત મહિસાગરની કચેરીના મોટા ભાગના કર્મચારીઓ રજા પર ઉતરી ગયા છે . જેના કારણે સ્થળ તપાસ કરવા આવેલ અધિકારીઓ તપાસની કામગીરી કરી શકતા નથી.

અત્યાર સુધી થયેલી તપાસના આધારે મળેલા રિપોર્ટ મુજબ રેકર્ડ કરેલ માપની સામે અમુક ગામોમાં ઓછા માપની પાઇપો સ્થળ ઉપર મળી છે. અમુક કિસ્સામાં જે કંપનીની પાઇપ દર્શાવેલ છે તે સિવાયની કંપનીની પાઇપો સ્થળ ઉપર મળી છે. આમ, સ્થળ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર અનિયમિતતા જણાઈ, તેમજ સ્થળ તપાસમાં અસહકાર અને રુકાવટના પ્રયત્નો ધ્યાને લેતાં કર્મચારીઓને ફરજ મોકૂફી હેઠળ ઉતારવાના આદેશ વાસમો વડી કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટર દ્વારા કરવામાં આવ્યા છે.

ફરજ મોકૂફ કરવામાં આવેલા અધિકારી અને કર્મચારીઓ

  1. એ.જી રાજપરા યુનિટ મેનેજર
  2. મૌલેશ હિંગુ
  3. દશરથ પરમાર
  4. ભાવિક પ્રજાપતિ
  5. કર્મવીરસિંહ સિસોદિયા
  6. અલ્પેશ પરમાર
  7. સુરપાલસિંહ બારૈયા

શું હતો નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ?
સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતા પરિવારને પાણી માટે દર દર ભટકવું પડે નહીં અને પરિવારને ઘર પાસે જ પાણી મળી રહે તે માટે ‘હર ઘર નલ’ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં આવેલા છ તાલુકાના 650થી વધુ ગામોમાં રહેતા ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેમજ ઉનાળામાં પશુપાલન માટે પણ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ગામે ગામ પાણી પહોંચાડવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા છે. વિવિઘ પાણી જૂથ યોજના તેમજ વાસમોની હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એકલા મહીસાગર જિલ્લામાં હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત 230 કરોડ રૂપિયા ઉપરાંતની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવા છતાં ભર ઉનાળામાં પાણીના પોકારો પડ્યા હતા.

કામગીરી પર ઉઠ્યા હતા સવાલ
મહીસાગર જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જયારે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરી નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો મૂકી દેવામાં આવી છે પરંતુ પાણી પહોચ્યું ન હતું. જેને લઇ સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે લગતા વળગતા તંત્રને કાર્યવાહી કરી યોગ્ય ન્યાય આપી પાણી પૂરું પાડવા માં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવા માં આવી હતી સરકાર દ્વારા ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવાના હેતુ થી કરોડો રૂપિયા ના ખર્ચે નળ સે જળ યોજના અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ આ યોજના સ્થાનિક વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટર અને નેતાઓની મિલી ભગતના કારણે આ યોજના ફક્ત અને ફક્ત કાગળ પર થઈ હોવાની ચર્ચાઓ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી.

આ સમગ્ર બાબતની જમીની સત્ય હકીકત જાણવાનો ગુજરાત Tak એ પ્રયાસ કરી ગ્રામજનોને પડતી પાણીની તકલીફ અને હર ઘર નલ યોજના અંતર્ગત થયેલ ભ્રષ્ટ કામગીરી બાબતનો સમગ્ર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા ગુજરાત તકના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડી ભર ઉનાળે પાણી વગર પરેશાની થતા જલ્દી પાણી આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે બાબતો નો અહેવાલ ગુજરાત તકમાં પ્રસારીત થતા સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, અને સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સહકાર ન આપતા કચેરી દ્વારા કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવ્યો છે.

    follow whatsapp