શક્તિ રાજપૂત, અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે ગઈકાલે પુનમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડયા હતા, ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન પર નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અંબાજી વિભાગ દ્વારા આ વર્ષે ખાસ રક્ષાબંધનનુ આયોજન કરવામાં આવ્યું હતું. PM Modi જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગુજરાતની ઘણી બહેનો રાખડી બાંધવા આવતી હતી, ત્યારબાદ પીએમ મોદી દિલ્હી હોવાથી ગુજરાતની બહેનો તેમને રૂબરૂ રાખડી બાંધવા જઈ શકતી નથી. આ બાબતને ધ્યાને રાખીને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીની પ્રતિકૃતિ સ્ટેજ પર મૂકીને તેમનાં હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી.
ADVERTISEMENT
PM મોદી સાથેની તસવીર બહેનોને ભેટમાં અપાઈ
દાંતા-અમીરગઢ તાલુકામાં વસવાટ કરતી 500 કરતા વધુ બહેનોએ રક્ષાબંધન પર અંબાજી ખાતે કાર્યક્રમમાં હાજર રહીને ભારત માતાનું પૂજન કર્યાં બાદ સ્ટેજ પર આવી પી.એમ મોદીની પ્રતિકૃતિને રાખડી બાંધી અને કુમકુમ તિલક કર્યું હતું. ત્યારબાદ તેમણે પીએમ મોદી સાથેનો ફોટો ફોટોફ્રેમ સ્વરૂપે ભેટ આપવામાં આવ્યો હતો.
તમામ બહેનોને ભેટમાં તિરંગો અને ભારત માતાની તસવીર અપાઈ
અંબાજી ખાતે વર્ચ્યુઅલી રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ફાઉન્ડરને પણ બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. 500 જેટલી દાંતા-અમીરગઢ તાલુકાની બહેનોએ રક્ષાબંધન પર પોતાના પરિવારના ભાઈ ઉપરાંત દેશના પીએમને રાખડી બાંધી ગૌરવ અનુભવ્યું હતું. આ સંસ્થાના ટ્રસ્ટીઓ, પ્રમૂખ અને સભ્યો હાજર રહ્યા હતા આ નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનનું સુત્ર છે. “રાષ્ટ્ર કે લિયે, રાષ્ટ્ર કો સમર્પિત” કાર્યક્રમમાં આવેલી તમામ બહેનોને તિરંગો, ભારત માતાની તસ્વીર અને અંબાજી માતાની તસ્વીર ભેટ અપાઈ હતી અને તમામ બહેનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ADVERTISEMENT