હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. ત્યારે આજે ગુજરાતભરમાં ટ્રકચાલકો વિફર્યા છે અને લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ હાઈવે જામ કર્યો છે. ટ્રક ડ્રાઈવરો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ ટ્રક ડ્રાઈવરો “હમારી માંગે પુરી કરો”ના નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે.
ADVERTISEMENT
ભચાઉઃ ટ્રક ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ
કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ સામે ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અંદાજિત 400થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર આ કાયદામાં ફેરફાર કરે એવી માંગ કરી રહ્યા છે.
રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા
ટ્રક ચાલકોએ સામખિયાળી ચેક પોસ્ટ પાસે નેશનલ હાઈવે બંને તરફથી ચક્કાજામ કર્યો છે. જામના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. ટ્રક ચાલકોના વિરોધને પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
મોરબીમાં પણ ટ્રક ડ્રાઈવરોનો વિરોધ
મોરબીમાં રવિરાજ ચોકડી પાસે ટ્રક ડ્રાઈવરોએ રસ્તા પર ટ્રકો ઊભી રાખી દીધી છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ટ્રકચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતા હજારો વાહનોના રોડ પર થપ્પા લાગી ગયા છે. ચક્કાજામના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને ટ્રક ચાલકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ
ગોધરામાં પણ ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે. તો રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે અને આ કાયદો રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. જોકે, વિરોધ કરતા ટ્રક ચાલક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
ADVERTISEMENT