અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના અત્યંત વ્યસ્ત અને પ્રતિષ્ઠિત માનવામાં આવતા સી.જી રોડ પર આંગડીયા પેઢીના એક કર્મચારી લૂંટાયો હતો.આંગડીયા પેઢીનો કર્મચારી કે જે 50 લાખ રૂપિયાથી વધારે લઇને પોતાની એક્ટિવા પાસેથી પસાર થઇ હતો ત્યારે સીજી રોડ પરના સૂપર મોલ નજીક અચાનક બાઇક પર ધસી આવેલા બે વ્યક્તિઓએ તેને અટકાવ્યો હતો અને પૈસાની લૂંટ ચલાવી હતી. બંન્ને પૈસા લૂંટીને ફરાર થઇ ગયા હતા.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.જી રોડ અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીનો એક માનવામાં આવે છે. જેમાં સામાન્ય વ્યક્તિને પગે ચાલીને રોડ પસાર કરવામાં પણ મિનિટો લાગી જાય છે. તેવામાં આવા વ્યસ્ત વિસ્તારમાં 50 લાખ રૂપિયાની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાથી સ્પષ્ટ છે કે, અપરાધીઓમાં હવે પોલીસનો ડર ન માત્ર ઓછો થઇ રહ્યો છે પરંતુ હવે તેઓ પોલીસની સામે પડીને તેમને પડકારો પણ ફેંકી રહ્યા છે. પોલીસના હાથમાં હવે કંઇ પણ નથી રહ્યું તેવી સ્થિતિ પેદા થઇ રહી છે.
અમદાવાદમાં અગાઉ બાપુનગરમાં પણ ડિસેમ્બર 2022 ના મહિનામાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. જેમાં બંદુક બતાવીને 20 લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. ત્રણેય આરોપીઓને ક્રાઇમબ્રાંચ દ્વારા ઇનસપુરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોકડ,કાર સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ ઝબ્બે કરવામાં આવ્યો હતો. રાતોરાત પૈસા કમાઇ લેવાની લાલચે તેઓએ આ લૂંટ કરી હતી. જો કે આ ઘટનાને હજી ચાર મહિના વિત્યા નથી ત્યાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે.
ADVERTISEMENT