- રાજકોટમાં વધુ 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ
- હાર્ટ એટેકથી મોતના બનાવોમાં સતત વધારો
- પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી
Rajkot News: ગુજરાતમાં હાર્ટ એટેક (heart attack) થી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે રાજકોટથી ફરી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
રાજકોટમાં 5 લોકોને હ્રદયે દગો દીધો
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોને હ્રદયે દગો દીધો છે. આ પાંચેય લોકોની ઉંમર 21 વર્ષથી 51 વર્ષની વચ્ચે છે. એક સાથે 5 લોકોના હાર્ટ એટેકથી મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ 5 મૃતકો પૈકી એક યુવકના તો શનિવારે લગ્ન થવાના હતા, લગ્નના બે દિવસ અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ છે.
શનિવારે થવાના હતા અજયના લગ્ન
આપને જણાવી દઈએ કે, 22 વર્ષીય અજય સોલંકીના લગ્નની કંકોત્રી વહેચાઈ ચૂકી હતી. મંડપ બંધાઈ રહ્યા હતા, ઘરે મહેમાનો આવવા લાગ્યા હતા. આ વચ્ચે હાર્ટ એટેકથી 22 વર્ષીય અજયનું મોત નિપજતા લગ્ન ગીતના બદલે મરસિયા ગાવામાં આવી રહ્યા છે. પરિવારમાં માતમ છવાયો છે.
35 વર્ષીય યુવકનું હાર્ટ એેટેકથી મોત
આ ઉપરાંત આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુર્યદીપસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુર્યદીપસિંહ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકનો માહોલ
તો રાજકોટના મયણી નગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણનું અને બાબરીયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયું છે.
55 વર્ષીય કેદીનું જેલમાં હાર્ટ એટેકથી મોત
આ ઉપરાંત રાજકોટની જેલમાં બંધ અંજારના કેદીને હાર્ટ એટેક ભરખી ગયો છે. 55 વર્ષીય હરી લોચાણીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. આ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT