ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મેથાણ ગામ નજીકમાં આવેલી તળાવડીમાં પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. બપોરના સમયે 4 બાળકી સહિતના પાંચ બાળકો આ તળાવડીમાં નહાવા માટે પડ્યા હતા. જેમાં તેઓ ગુમ થતા એક બાળકીના પિતાએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન એક બાળકોની મૃતદેહ તરતો દેખાતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
5થી 10 વર્ષની ઉંમરના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા
વિગતો મુજબ, ધ્રાંગધ્રાના મેથાણ અને સરવાળ ગામની વચ્ચે આવેલી તળાવડીમાં પાંચ બાળકો પોતાની રોજિંદી ક્રિયા મુજબ નહાવા માટે પડ્યા હતા. 5થી 10 વર્ષની ઉંમરના આ પાંચેય બાળકોના લાંબો સમય સુધી ન દેખાતા એક બાળકીના પિતાએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ વચ્ચે એક બાળકીનો મૃતદેહ તળાવમાં તરતો દેખાતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. એક સાથે પાંચ બાળકોના મોતથી ચકચાર મચી જવા પામી હતી.
પાંચ-પાંચ બાળકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયું
બીજી તરફ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ જતા તેમણે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ફાયરની ટીમના તરવૈયાઓની મદદથી બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જોકે એક સાથે જ પાંચ પાંચ બાળકોના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. જ્યારે ગ્રામજનોમાં પણ શોકની લહેર છવાઈ હતી.
(રિપોર્ટર: સાજિદ બેલીમ)
ADVERTISEMENT