દિગ્વિજય પાઠક/નર્મદા: મધ્યપ્રદેશમાં હવે ઘોડાપુર આવતા તમામ નદીઓ અને જળાશયો હાઈ એલર્ટ ઉપર આવી ગયા છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં આજે સવારે 10 કલાકથી પાણીની આવકમાં વિપુલ વધારો થયો છે. જેના પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. હાલ ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક સપાટીથી 3 ફૂટ નીચે વહી રહી છે.
ADVERTISEMENT
સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3 મીટર ખોલાયા
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા હવે 3.05 મીટરથી ખોલી નદીમાં 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરી દેવાયું છે. ભરૂચમાં 98 કિલોમીટર જેટલી સફર ખેડી આ પ્રવાહ આગામી 6 કલાકમાં આવવાની શરૂઆત થઇ જતાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની જળ સપાટી બપોર સુધીમાં વોર્નિંગ લેવલ 22 ફૂટ આસપાસ પોહચી જાય તેવી સંભાવના રહેલી છે.
ગોલ્ડનબ્રિજ ખાતે જળ સપાટી 20 ફૂટે પહોંચી
એક સપ્તાહમાં બીજી વખત ભરૂચ ખાતે નદી તેની ભયજનક સપાટી 24 ફૂટે ફરી પહોંચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી 20 ફૂટે છે. ગોલ્ડનબ્રિજ ખાતે ભરતી અને ડેમમાંથી છોડાતા પાણીને લઈ વીતેલા 18 કલાકમાં જળ સ્તર સાડા પાંચ ફૂટ જેટલા વધ્યા છે. ડેમમાંથી છોડાતા પાણીના વિપુલ જથ્થાને લઈ વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને પેહલેથી જ એલર્ટ કરી દઈ તંત્ર પણ સ્થિતિ ઉપર નજર રાખવા ફરી એક્શનમાં આવી ગયું છે.
ભરૂચ-વડોદરાના ગામોને એલર્ટ કરાયા
નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નર્મદા નદીમાં કુલ 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં હવે આવી રહ્યું છે. જોકે છેલ્લા 24 કલાકથી SSNNL 135 94 મીટર ડેમની સપાટીને જાળવી રાખી છે. ભરૂચ જિલ્લાના 41 તથા વડોદરા જિલ્લાના 20 જેટલા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ચાણોદ-કરનાળીમાં પણ હોડીઓ બંધ કરી દેવાઈ
આ સાથે યાત્રાધામ ચાણોદ-કરનાળી છે, જ્યાં લોકો જાય છે, નદી કિનારે ચાલતી હોડીઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને નર્મદા નદીના કિનારે આવેલા તમામ ધાર્મિક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેરીકેટ્સ લગાડવામાં આવ્યા છે અને મધ્યપ્રદેશમાં હજુ પણ વરસાદ ચાલુ છે, નર્મદા ડેમના ગેટમાંથી જે પાણી છોડવામાં આવે છે અને વધુ પાણી પણ છોડવામાં આવશે તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT