‘પ્રી-વેડિંગ શૂટ, બેબી શાવર, રિસેપ્શન જેવી ખર્ચાળ પ્રથા બંધ કરો’, પાટણમાં લેઉઆ પાટીદાર બહેનોની પહેલ

પાટણ: સમાજમાં પ્રવર્તિ રહેલી કુપ્રથાઓ અને કુરિવાજો પ્રત્યે હવે ધીમે ધીમે સમાજો જાગૃત થતા બંધ થઈ રહ્યા છે. ત્યારે પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજમાં પણ…

gujarattak
follow google news

પાટણ: સમાજમાં પ્રવર્તિ રહેલી કુપ્રથાઓ અને કુરિવાજો પ્રત્યે હવે ધીમે ધીમે સમાજો જાગૃત થતા બંધ થઈ રહ્યા છે. ત્યારે પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજમાં પણ કુપ્રથા અને કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ એક થઈને સમાજમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની પહેલ કરી છે અને લગ્ન કે મરણ સહિતના કોઈ પ્રસંગમાં બિનજરૂરી ખર્ચાઓ તથા પ્રથાઓ પર કાપ મૂક્યાનું નક્કી કરવામાં આવ્યું છે.

3000 બહેનો લેશે શપથ
પાટણમાં 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા માટેની પહેલ કરી છે. જે મુજબ લગ્નમાં થતા પ્રી-વેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ પ્રથાઓ બંધ કરાશે. આ પહેલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. આગામી 28મી મેના રોજ પાટણમાં સભા યોજાશે તેમાં અંદાજે 3 હજાર બહેનો આ પહેલ હેઠળ શપથ લેશે. ત્યારે 65 વર્ષ પછી 42 લેઉઆ પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે.

42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં કયા કયા સુધારા કરાયા?

  • લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકી રાખવી
  • જાનને 2 વખતનું જમાડીને વિદાય આપવી
  • મામેરામાં 1 રૂપિયાથી 1 હજાર 51 સુધીની રકમ અને દાગીના મુકવા
  • જાનમાં બેન્ડબાજા સદંતર બંધ કરવા
  • લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા
  • લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવા
  • મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું
  • મરણ જનારની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું
  • મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવું

નોંધનીય છે કે, આ પહેલા ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજે પણ સમાજના સુધારા માટેના 21 ઠરાવ કર્યા હતા. જેમાં યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવા ફરમાન કરાયું હતું. દાઢી રાખનારને 51 હજારનો દંડ કરવાનો નિયમ હતો. તો મરણ પ્રસંગમાં અફીણની પ્રથા બંધ કરવા, દીકરીની પેટી ભરવામાં 51000થી વધુ નહીં આપવા સહિતના ઠરાવ કરાયા હતા.

    follow whatsapp