અરવલ્લીમાં ડુબી જવાના કારણે 4 યુવકોનાં મોત, નવરાત્રીમાં શોકનો માહોલ

અરવલ્લી : જિલ્લામાં ડુબવાથી મોત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે ફરી એક ચોંકાવનારી કરુણાંતિકા સામે આવી છે. ભિલોડાના શિલાદ્રી નજીક ચાર યુવાનોનું…

gujarattak
follow google news

અરવલ્લી : જિલ્લામાં ડુબવાથી મોત થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે ફરી એક ચોંકાવનારી કરુણાંતિકા સામે આવી છે. ભિલોડાના શિલાદ્રી નજીક ચાર યુવાનોનું નદીમાં ડુબી જવાના કારણે મોત નિપજ્યું છે. આ ઘટના અંગે માહિતી મળતા જ સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બુઢેલી નદીમાં ન્હાવા જતી વેળાએ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું
ગોઝારી ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભિલોડાના શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. જો કે અચાનક તેઓ ઉંડા ખાડામાં ગરકાવ થઇ ગયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ સ્થાનિક લોકોએ બચાવકાર્ય શરૂ કર્યું હતું. જો કે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ગયું હતું અને ચારેય મિત્રોનાં મોત થઇ ગયા હતા. ઘટના બાદ ફાયર અને પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં હતાં. જેને પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

ચારેય યુવકો શિલાદ્રી ગામના રહેવાસી
ચારેય યુવકો શિલાદ્રી ગામના રહેવાસી હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ચારેય અંગે મળતી માહિતી અનુસાર અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજ્યા છે. પરિવારજનોમાં કાળજુ કંપાવી નાખે તેવો આક્રંદ છવાયો છે.

(વિથ ઇનપુટ હિતેશ સુતરિયા)

    follow whatsapp