અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી. તેમણે વસ્ત્રાલથી થલતેજના મેટ્રો રૂટનું પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે મેટ્રો શરૂ થતા જ તેના કોચ પર લખાણ દ્વારા નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મેટ્રોને નુકસાન પહોંચાડનારા 4 વિદેશી નાગરિકો ઝડપાયા છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
એપેરલ પાર્કમાં મેટ્રો ડીપોમાં પ્રવેશી નુકસાન કર્યું
પોલીસના જણાવ્યા મુજબ, ગોમતીપુર એપરેલ પાર્ડ ડીપોમાં જ્યાં મેટ્રો રેલનું પાર્કિંગ કરાય છે, ત્યાં 4 ઈટાલિયન નાગરિકોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મેટ્રોના કોચ પર TAS લખાણ લખી નાખ્યું હતું. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડીને આ ચારેય વિદેશીઓએ મેટ્રો રૂ.50,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આ તમામ આરોપીઓ ઈટાલીના હોવાનું સામે આવ્યું છે.
કેમેરામાં કેદ થઈ હતી આરોપીઓની ઘટના
આરોપીઓની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપીઓ પાસેથી અલગ અલગ કલરની ગ્રાફીટી પેન્ટીંગ કરવા માટેની સ્પ્રે બોટલ તથા બોટલની કેપ મળી આવી હતી. જેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, યુરોપ તથા અમેરિકાના દેશોમાં આ પ્રકારની ગ્રાફીટી બનાવવાનો ક્રેઝ ઘણા લોકોમાં છે. તેમજ આ દેશોમાં આ પ્રવૃત્તિ ખૂબ વધી છે. આરોપીઓ પણ આ પ્રકારની પેઈન્ટીંગના આદી છે, જેથી તક મળતા જ ચોરી છુપી ગ્રાફિટી બનાવવાનો આનંદ લે છે.
ADVERTISEMENT