અમદાવાદના અટલ બ્રિજ પર ફરવા માટે આજથી ચૂકવવા પડશે પૈસા, પ્રતિ મિનિટ દીઠ એક રૂપિયો ચાર્જ

અમદાવાદ: સાબરમતી નદી પર રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જવાનું હવે અમદાવાદીઓનું ખિસ્સું ગરમ કરશે. સાબરમતી રીવરફ્રન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા…

gujarattak
follow google news

અમદાવાદ: સાબરમતી નદી પર રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જવાનું હવે અમદાવાદીઓનું ખિસ્સું ગરમ કરશે. સાબરમતી રીવરફ્રન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર જતા મુલાકાતીઓ માટે ટિકિટનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અટલ બ્રિજ પર 30 મિનિટ ફરવાના 30 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે. એટલે કે પ્રતિ મિનિટ 1 રૂપિયો ચૂકવવો પડશે.

આ સાથે જ 3થી 12 વર્ષના બાળકો માટે અટલ બ્રિજનો 15 રૂપિયા અને 60થી વધુ વર્ષના લોકો માટે પણ 15 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. આ ટિકિટના દર આજથી એટલે કે 31મી ઓગસ્ટથી લાગુ થઈ જશે. અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેની કોમ્બો ટિકિટ લેવા ઈચ્છતા 12 વર્ષથી ઉમરના લોકોએ રૂ.40 ખર્ચવા પડશે.

ઉપરાંતમાં મુલાકાતીઓને નીચે મુજબની બાબતો મુલાકાત દરમ્યાન ધ્યાને લેવાની રહેશે.

1. અટલ બ્રિજમાં મુલાકાતીઓનો પ્રવેશ સવારે 9 ક્લાકથી રાત્રીના 9 ક્લાક સુધી રહેશે.

2. બ્રિજ પર કોઈપણ મુલાકાતી 30 મિનિટ થી વધુ રોકાઈ શકરો નહી.

3. મુલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે. લોઅર પ્રોમીનાડથી મુલાકાતીઓ એક્ઝીટ થઈ શકાશે.

4. કોઈપણ પ્રકારના ગુટખા, પાન-મસાલા, કેફી દ્રવ્યો બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે.

5. કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન નિષેધ છે.

6. કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલ ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી.

7. પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.

8. મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું. ખુલ્લામાં ગંદકી કરવી નહીં.

9. કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે.

10. કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહીં.

11. બ્રિજ પરના ફૂલ-છોડ સહિતની અન્ય કોઈપણ પ્રકારની મિલકત અસ્કયામતને તોડવી અથવા નુકશાન પહોંચાડવું નહિ.

12. તમામ મુલાકાતીઓએ સંપૂર્ણ શાંતી જાળવવાની રહેશે. શોર-બકોર, બૂમો પાડવી. મ્યુઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી, ગ્રુપમાં મોટેથી અવાજો કરવા, પ્રમોશનલ વિગેરે જેવી પ્રવૃતીઓ કરવાની સખ્ત મનાઈ છે.

13 કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સાબરમતી રિવરફન્ટના નીતિ નિયમો મુજબ રહેશે.

    follow whatsapp