સુરત: સુરત શહેરમાં રખડતું કૂતરું કરડતા 18 વર્ષની યુવતીએ હડકવાના કારણે જીવ ગુમાવ્યો હતો. 6 મહિના પહેલા યુવતીને કૂતરાએ બચકા ભર્યા હતા. બાદમાં એક ઈન્જેક્શન લઈને બાકીની સારવાર નહોતી કરાવી જે બાદ 6 મહિને યુવતી અચાનક વિચિત્ર હરકત કરવા લાગી. પરિવાર પહેલા હોસ્પિટલ લઈ જતા હડકવાની અસર હોવાનું જણાયું હતું. આ બાદ અંધશ્રદ્ધામાં પરિવાર યુવતીને ભુવા પાસે લઈ ગયો, પરંતુ ભૂવાએ પણ હાથ અધ્ધર કરી દેતા આખરે યુવતીએ દમ તોડી દીધો હતો. ત્યારે હવે યુવતીના મોત બાદ પરિવારના સભ્યો હડકવાની રસી લેવા માટે હોસ્પિટલ દોડી ગયા હતા.
ADVERTISEMENT
18 વર્ષની યુવતીને 6 મહિના પહેલા કૂતરું કરડ્યું હતું
વિગતો મુજબ, સુરતના રાંદેરમાં ભાગળ શાક માર્કેટ પાસે રહેતી 18 વર્ષની જ્યોતિને 6 મહિના પહેલા કૂતરાએ બચકા ભર્યા હતા. જેથી સ્મીમેર હોસ્પિટલમાં તેનું ઈન્જેક્શન લીધું હતું. જોકે પહેલું ઈન્જેક્શન લીધા બાદ અન્ય ચાર ઈન્જેક્શન લીધા નહોતા. ત્યારે બે દિવસ પહેલા જ્યોતિની તબિયત ખરાબ થઈ અને તે વિચિત્ર હરકત કરવા લાગી. પાણી અને અજવાળુ જોઈને ગભરાતી હતી. એવામાં પરિવાર તેને સારવાર માટે નવી સિવિલ લઈને પહોંચ્યો જ્યાં તેને હડકવાની અસર દેખાઈ.
પરિવાર ડોક્ટર પાસેથી ભૂવા પાસે યુવતીને લઈ ગયો હતો
જોકે બે દિવસની સારવાર બાદ પરિવાર જ્યોતિને ડોક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈને ઘરે લઈ ગયો. બાદમાં ભુવાને બોલાવીને તેમણે વિધી કરાવી હતી. જોકે ભુવાએ પણ જ્યોતિની હાલત જોઈને અસમર્થતા દર્શાવી હતી. આથી તેને બાંધી દેવાઈ હતી. બીજા દિવસે સવારે જ્યોતિનું મોત થઈ ગયું હતું. આમ અંધશ્રદ્ધાના કારણે પરિવારે જ્યોતિની સારવાર અધૂરી છોડાવીને લઈ જતા તેનું મોત નિપજ્યું હતું.
પાલિકાના સભ્યોના કહેવા પર તમામ લોકોએ રસી લીધી
ઘટનાની જાણ થતા જ પાલિકાના સભ્યો જ્યોતિના ઘરે પહોંચ્યા હતા અને જ્યોતિના સંપર્કમાં આવેલા પરિવારના તમામ સભ્યોને હડકવા વિરોધી ઈન્જેક્શન લેવા જણાવ્યું હતું. જેના કારણે હવે પરિવારના 30થી વધુ સભ્યો એકસાથે હડકવા વિરોધી રસી લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એકસાથે આટલા લોકો રસી લેવા આવતા સિવિલમાં હાજર લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતું. ત્યારે પરિવારમાં સભ્યોને રસીના ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હડકવા ચેપી રોગ છે અને રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવનારા તમામ લોકોએ રસી લેવી જરૂરી છે, નહીંતર તેમનામાં પણ રોગ ફેલાઈ શકે છે.
ADVERTISEMENT