સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે 30 વિદ્યાર્થીઓની તબિયત લથડતા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જમ્યા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થવા લાગતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર અને સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, સુરેન્દ્રનગરમાં આવેલા દરબાર બોર્ડિંગમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે ભોજનમાં દૂધ અને બટાટાનું શાક ભોજનમાં લીધું હતું. આ બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓએ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ પેટમાં દુઃખાવો, ઉલટી-ઉબકા તથા ઝાડા થવાની ફરિયાદ કરતા તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં એક સાથે આટલા બધા દર્દીઓ આવી જતા હોસ્પિટલમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જાણ થતા જ વિદ્યાર્થિનીઓના પરિજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હાલમાં વિદ્યાર્થિનીઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT