તળાજા : સમગ્ર રાજ્યમાં મેઘતાંડવની સ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બારેમેઘ ખાંગા થયા છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં નદી નાળા છલકાઇ ગયા છે. નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. અનેક નાના મોટા ચેકડેમો છલકાઇ ચુક્યા છે. અનેક ગામડાઓને મુખ્ય માર્ગ સાથે જોડતા કોઝવે પણ ઓવરફ્લો થઇ ચુક્યા છે. જો કે ભાવનગરના તળાજાના કામરોલ નજીક કાર પાણીમાં તણાઇ હતી. જેમાં ડુબી જવાના કારણે 3 લોકોનાં મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT
ભાવનગરમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ઘસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાજાની જુની કામરોળ નજીક વાહન ચાલકે ધસમસતા પ્રવાહમાં ગાડી નાખી હતી. જેથી ગાડીમાં બેઠેલા પાંચ લોકો ગાડી સાથે જ પાણીમાં તણાયા હતા. જો કે તેમાંથી ડુબી જવાના કારણે 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રણેય વ્યક્તિ તળાજાના પાવઠી ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
સૌથી ચોંકાવનારી બાબત છે કે, ત્રણ વ્યક્તિઓ પૈકી બે મહિલા એક બાળકનો સમાવેશ થાય છે. પાવઠી ગામના કુલ પાંચ લોકો જુની કામરોલ ગામે મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જો કે ગાડી પાણીમાં નાખતા ગાડી તણાઇ હતી. ગાડીમાં કુલ પાંચ લોકો સવાર હતા. ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
ADVERTISEMENT