ધનેશ પરમાર/ બનાસકાંઠાઃ રાજ્યમાં નોંધપાત્ર વરસાદથી બનાસનદીમાં વ્યાપક પાણી આવ્યું હતું. જેના કારણે જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. ડેમ ભરાતા ડેમના કેટલાક ગેટો ખોલી આવક મુજબ, ડેમનું પાણી બનાસનદી પટમાં છોડાયું હતું. આ દરમિયાન એક પરિવારના 3 યુવકો પાણીના વહેણમાં તણાઈ જતા મોતને ભેટ્યા હતા. નોંધનીય છે કે અહીં સોશિયલ મીડિયામાં આ મુદ્દે એક પોસ્ટ વાઈરલ થતા વિવાદ થયો હતો. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…
ADVERTISEMENT
સમગ્ર ઘટનાક્રમ…
બે દિવસ અગાઉ જુનાડીસા ગામના એક પરિવારના ત્રણ કિશોરો તેમની ગામ નજીક નદીમાં ન્હાવા પડ્યાં હતા. જોકે અહીં કોરી ઉદ્યોગના કારણે નદીમાં ઊંડા ખાડાઓ હતા. જેમાં પાણી ભરાયેલા હોવાથી આ ત્રણ યુવકો લોકોની નજર સામે પાણીના વમળમાં ઊંડા ખાડાઓમાં ગરકાવ થયા હતા. આ કરુણાંતિકામાં જુનાડીસા ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. આ ગામ સંપ્રદાયોની બહુમતી ધરાવતું ગામ છે અને કોમી એકતા માટે વૈશ્વિક ફલક પર નામાંકિત થયેલું છે. એટલું જ નહીં આ ગામ શિક્ષિત હોઈ ગામમાં 50%થી વધુ લોકો વિવિધ વિભાગોમાં રાજ્યસેવકો છે.
ફેસબુકમાં વિવાદિત પોસ્ટ અને કોમેન્ટ..
આ કરુણાંતિકામાં બદરી આલમ ઘાસુરા, ઈલિયાસ સુમરા અને ઇકબાલ સુમરા નામના ત્રણ યુવકો નદીના વહેણમાં ડુબી ગયા હતા. જોકે આ ઘટના બાદ સોલંકી કનક નામના ફેસબુક આઈડી ધરાવતા વ્યક્તિએ લોક જાગૃતિની પોસ્ટ જાહેર કરી હતી. તેમણે લોકોને અહીં નદીમા નાહવા માટે ન જવાનું સૂચન કર્યું હતું. જોકે આ પોસ્ટ પર ત્યારપછી જાદવ બગરાજસિંહ રાને નામના ફેસબુક આઈડી ધરાવતા શખસે વિવાદિત કોમેન્ટ કરી હતી.
કોઈ વાંધો નહીં……………. સમાજના છે- કોમેન્ટ કરવી ભારે પડી
જોકે ત્યારપછી આ કોમેન્ટ વિવાદિત બની હતી. આ કોમેન્ટ બે સમુદાયોના ભાઈચારાની લાગણીમાં વૈમનસ્ય ફેલાવતી બની શકે તેવી હતી. આ કોમેન્ટ પીડિત પરિવાર અને આગેવાનોમાં વખોડાઈ હતી. જોકે આ કોમેન્ટ કરનારા આરોપીએ પોતાની કોમેન્ટ ડિલેટ મારી દીધી હતી. તેમ છતાં લોકોએ તેના સ્ક્રીન શોટ્સ પુરાવારૂપ લઇ લીધા હતા અને ત્યારપછી આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી યુનુસખાન યાસીનખાન ચૌહાણ દ્વારા ફરિયાદ અપાઈ હતી. જેમાં પોલીસે આરોપી એવા ફેસબુક આઈડી ધારક જાદવ બગરાજસિંહ રાણેર વિરુદ્ધ આઇપીસી કલમ 295(a) અને આઇટી એક્ટ 67 મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આઇટી એક્ટ કલમ 67મા સજા અને દંડ
જયારે કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા માધ્યમથી અશ્લીલ અથવા અન્ય વિવાદિત પોસ્ટ પ્રકાશિત કરે છે. ત્યારે દોષિત વ્યક્તિને સજા અને દંડ પણ ફટકારાય છે. જેમાં પ્રથમ અપરાધમાં પાંચ વર્ષની જેલ અને એક લાખ દંડ જયારે બીજી વખતના આવા અપરાધ માટે 10 વર્ષની જેલ અને રૂપિયા બે લાખના દંડની સજા થઇ શકે છે.
ત્રણ યુવકોની લાશો શોધવામાં તંત્ર નિષ્ફળ
જુનાડીસામાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોની લાશો શોધવામાં 48 કલાક બાદ પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે આ પ્રકારના રેસ્ક્યુ માટે ડીસા નગરપાલિકા પાસે યોગ્ય તરવૈયા, બોટ કે યાંત્રિક ઉપકરણો નથી. જોકે હવે ઘણા સમય પછી એનડીઆરએફ ટીમો ત્યાં પહોંચી છે અને લાપતા યુવકોની તપાસ શરુ કરી દીધી છે.
સોશિયલ મીડિયા જમા ઉધાર પાસું
સોશિયલ મીડિયા આધુનિક જગતમાં લોકોના દિમાગને અસર કરતું માધ્યમ છે, કેમકે અહીં અનેક પ્રકારના લોકો પોતાની કોઠાસુજ અને સામાન્ય ઈરાદો પાર પાડવા અથવા અવનવા પ્રચાર કરવા વિવિધ સાચી -જૂઠી તાર્કિક દલીલો કરતા હોય છે. જેમાં અધકચરું સત્ય અથવા સંપૂર્ણ જૂથ છુપાયેલું હોય છે. જયારે બીજી તરફ ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે દેશમાં ફેસબુકના 24 કરોડથી વધુ યુઝર્સ છે.
- આ અંગે ટકાવારીમાં કરીએ તો ફેસબુકના કુલ યુઝર્સમાં 11% ભારતીયનો હિસ્સો છે.
- ફેસબુક અને હેટ સ્પીચને વ્યાખ્યાચિત કરવી પણ હાલના સમયમાં જરૂરી છે.
સોશિયલ મીડિયા પર થતી પોસ્ટ પર સોશિયલ મીડિયા કંપનીઓએ કોઈ અધિકારી અથવા ટીમની નિમણુંક કરવાની અનેક વખત થયેલ ચર્ચા અને વાતો કેટલી અસરકારક થઇ, ઠોસ નિર્ણય સુધી પહોંચી છે. તેનું કોઈ અપડેટ્સ લેવાની તસ્દી હજુ કોઈ દેશે લીધી નથી.
ADVERTISEMENT