Gir Somnath News: એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સામાન્ય જનતા તો ઠીક હવે રાજકીય નેતાઓ પણ સુરક્ષિત નથી. કારણ કે રાજ્યમાં વધુ એક શાસક પક્ષના નેતાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટ્યા છે. હાલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
ભાજપ નેતાના ઘરે ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર,ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે રહેતા ભાજપ નેતા કેશુભાઈ જાદવના ઘરે તસ્કરો હાથફેરો કરી જતાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તસ્કરો ભાજપ નેતાના ઘરેથી રૂ.6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.
પોલીસ થઈ દોડતી
અજાણ્યા તસ્કરોએ ભાજપ નેતા કેશુભાઈ જાદવના ઘરમાં ઘુસીને લોકર તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો કુલ રૂ.21 લાખનો મુદ્દામાલ ઉઠાવીને પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સુત્રાપાડા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કેશુભાઈ જાદવ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે.
પી.સી બરંડાના ઘરે થઈ હતી ચોરી
અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ અરવલ્લીના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના નિવાસસ્થાને તસ્કરો ત્રાટકયા હતા અને ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતાં.આ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે લૂંટ કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT