રાજેશ આંબલિયા/મોરબી: રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મોરબીમાં પણ ભારે વરસાદને પગલે મચ્છુ-3 ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. પરિણામે ડેમના બે દરવાજા હાલ એક ફૂટ પર ખોલવામાં આવ્યા છે, જેના કારણે હેઠવાસમાં આવતા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલાયા
મોરબીમાં મચ્છુ-3 ડેમમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ હતી. ત્યારે હાલ ડેમમાંથી બે દરવાજા એક ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1676 ક્યુસેક પાણીની આવક અને જાવક છે. ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસના 20 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં મોરબી તાલુકાના 11 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ કારાયા છે.
કયા-કયા ગામોને અલર્ટ કરવામાં આવ્યા?
મોરબી તાલુકાના ગોરખીજડિયા, વનાળિયા, સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, નારણકા, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખાડા ગામને એલર્ટ કરાયા છે. તેમજ માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળીયા-મિયાણા અને હરિપર ગામોને એલર્ટ કરાયા છે.
ADVERTISEMENT