અરવલ્લીઃ ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં અત્યારે અરવલ્લીમાં વરસતા વરસાદ વચ્ચે પહાડો પરથી ભેખડો ધસી આવતા વાહનવ્યવહાર ખોરવાયો છે. અહીં ગિરિમાળાઓ પરથી અચાનક ભેખડો પડવા લાગતા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં આના કારણે શામળાજી નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે.
ADVERTISEMENT
નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો
વરસાદી માહોલ વચ્ચે પહાડી વિસ્તારમાં ભેખડો ધસી આવવાની મોટાભાગની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં અરવલ્લીમાં પહાડો પરથી ભેખડો ધસી આવતા નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. વળી પથ્થરોના નાના મોટા ટુકડાઓની ચાદર અત્યારે રસ્તા પર પથરાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. પહાડો પરથી ભેખડો પડવાના કારણે મોટાભાગના વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
અરવલ્લીમાં મેઘતાંડવ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 9થી વધુ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે મેઘરજ તાલુકામાં 96 મિમી, ભિલોડા- 48 મિમી, મોડાસા- 49 મિમી, માલપુર- 24 મિમી, ધનસુરા- 23 મિમી, બાયડ-04 મિમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન ભિલોડા અને શામળાજી તાલુકામાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવી ગયું છે. જેના કારણે આસપાસના ગામને સતર્ક કરાયા છે.
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ધોધમાર વરસાદ
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે 8 જિલ્લાઓ ઓરેન્જ અને 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ટકોર કરી દેવામાં આવી છે. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા આ સિઝનનો સારો વરસાદ નોંધાયો છે.
(વિથ ઇનપુટ હિતેશ સુતરિયા)
ADVERTISEMENT