ભરુચ: ભરૂચના નિવૃત્ત શખ્સને સોનામાં ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઈ આચરનારી ટોળકીના 6 સાગરીતોને ભરૂચ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી લીધા છે. આરોપીઓની તપાસમાં પ્રથમ ચરણમાં ભેજાબાજોએ 30 કરોડ અને બીજા ચરણમાં 120 કરોડ મળીને 150 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. હજુ પણ સાયબર ક્રાઈમની ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યુ?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ ઠગ ટોળકીએ ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ લોકોને છેતર્યા હોઈ શકે છે. સમગ્ર નેટવર્ક દુબઈમાં બેઠા બેઠા સુરતનો અનવર નામનો યુવક અને તેનો સાથી મેક્સ ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ભેજાબાજો ગરીબ અને શ્રમજીવી લોકોને 25 હજારની લોન અપાવવાના બહાને તેમના નામે સિમકાર્ડ લઈને બેંક એકાઉન્ટ ખોલાવી ATM, પાસબુક અને પિન સહિતની વિગતો લઈ લેતા અને બાદમાં આ એકાઉન્ટમાં ગોલ્ડ ટ્રેડિંગના બહાને લોકોને છેતરીને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.
CIDને સોંપી શકાય કેસની તપાસ
હાલમાં પોલીસ બેંક હેડ ઓફિસમાંથી વધુ વિગતો મેળવવા માટે તપાસ કરી રહી છે. ભેજાબાજો રૂપિયા કેવી રીતે ઉપાડતા તે અંગે હજુ ફોડ પડ્યો નથી. એવામાં હવે મામલાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT