અમદાવાદ: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે સીધા પેપર ચેકરને જ લાંચ આપવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ધો.10 બે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં આન્સરશીટમાં રૂ.500ની નોટો ચોટાડી દીધી. જ્યારે પેપર ચેકરના હાથમાં આન્સરશીટ આવી તો તે પણ ચોંકી ઉઠ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થાય તો તેમના પર બોર્ડની પરીક્ષા આપવા પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અને પરીક્ષામાં પણ તેમને નાપાસ કરી શકાય છે.
ADVERTISEMENT
શિક્ષકને પેપર ચેક કરતા અંદર નોટો મળી
વિગતોની વાત કરીએ તો ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. જેમાં ધો.10 ગુજરાતી મીડિયાના પ્રશ્નપત્રની ચકાસણી દરમિયાન એક શિક્ષકને ગણિત અને અંગ્રેજીની આન્સરશીટમાં રૂ.500ની નોટો સ્ટેપલરથી લગાવેલી મળી હતી. આ સાથે તેમાં ગુજરાતીમાં મેસેજ હતો, ‘મહેરબાની કરીને મને પાસ કરી દો. કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો નથી.’
વિદ્યાર્થીને શું સજા થઈ શકે?
પ્રોટોકોલ મુજબ આ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ કોપી કેસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ આ મામલો પરીક્ષા સુધારણા સમિતી સુધી પહોંચ્યો છે. જ્યાં પહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવશે અને બાદ તેમની સજા નક્કી કરવામાં આવશે. એવામાં શક્યતા છે કે આ વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને નાપાસ પણ થાય.
ADVERTISEMENT