Gujarat BJP New President : લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને દેશમાં NDAની સરકાર પણ બની ચૂકી છે. એવામાં હવે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપમાં કેટલાક અપેક્ષિત ફેરફારો થવાની અટકળો તેજ બની છે. કારણ કે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારે તેમના સ્થાને પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગીની સાથોસાથ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાક ફેરફારો પણ અષાઢી બીજની રથયાત્રા બાદ હાથ ધરાય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
સાળંગપુર ધામ ખાતે યોજાશે બેઠક
આગામી 4-5 જુલાઈના રોજ સાળંગપુર ધામ ખાતે પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બે દિવસીય બેઠકમાં આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઈને સરકાર અને સંગઠનને સક્રિય રાખવાના હેતુથી વિસ્તૃત ચર્ચા કરી નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પીયૂષ ગોયેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, સેલના સંયોજકો, કારોબારી સભ્યો, મહાનગરપાલિકા-પાલિકાના પ્રમુખો, મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, મેયરો પણ હાજર રહેશે.
પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરાશે!
સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 જુલાઈએ યોજાનારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે. આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે. સી.આર પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે? તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ ચર્ચાય રહ્યા છે. જેમાં આ વખતે કેબિનેટ મંત્રીમાંથી પત્તું કપાયેલ દેવુસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, રજની પટેલ, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ રેસમાં સામેલ છે. એક થિયરી પણ સામે આવી છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરફારની શક્યતા
આવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. કારણ કે આ વખતે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં સામેલ થનારા ચાર ચહેરા પેટાચૂંટણીમાં જીત્યા છે. ખાસ કરીને પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી સી.જે ચાવડા. તેથી આ બંને નેતાઓને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રતિનિધત્વ મળે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT