Rahul Gandhi's Controversial Statement: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગેનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ મામલે કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની એક સભામાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી. જે બાદ ભાજપના નેતાઓ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીનો વીડિયો કર્યો પોસ્ટ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં તેઓેએ રાહુલ ગાંધીનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, 'કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજઓએ દેશને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.'
રાહુલ ગાંધીએ કરી રાજા-મહારાજાઓ પર ટિપ્પણી
હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, ''રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.''
રૂપાલાનો ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે વિરોધ
જો કે, અત્યારે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે રાહુલ ગાંધીની મુસીબત વધી શકે છે. આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાની વિવાદસ્પદ ટિપ્પણીને લઈને હજુ પણ તેમની સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ત્રણ-ત્રણ વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ સતત રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે. ત્યારે પરશોત્તમ રૂપાલાની જેમ રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તો નવાઈ નહીં કહેવાય.
ADVERTISEMENT