Lok Sabha Elections Result: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યા છે. અત્યારના વલણો મુજબ ભાજપના નેતૃત્વમાં NDAને 295 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં કેન્દ્રમાં ત્રીજી વખત NDAની સરકાર બનવી નિશ્ચિત છે. પરંતુ એ સ્પષ્ટ છે કે એક્ઝિટ પોલના અંદાજથી તદ્દન વિપરિત ભાજપને મોટું નુકસાન થયું છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે, પરંતુ તેમણે સરકાર ચલાવવા માટે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર રહેવું પડશે. ચૂંટણીમાં દિલ્હીની સત્તાનો રસ્તો નક્કી કરનાર ઉત્તર પ્રદેશમાં તો BJPને જોરદાર ઝટકો લાગ્યો છે. આ વખતે ભાજપ 80માંથી માત્ર 35 સીટો જીતવામાં સફળ રહી છે. ઈન્ડિયા એલાયન્સે 37 સીટો પર લીડ જાળવી રાખી છે. સૌથી મોટી ઉથલપાથલ અમેઠી સીટ પર થઈ છે. અહીં ભાજપના સ્મૃતિ ઈરાની (Smriti Irani)ને કોંગ્રેસના કિશોરી લાલ શર્મા (Kishori Lal Sharma)એ હરાવ્યા છે. ચાલો જાણીએ કોણ છે કિશોરી લાલ શર્મા, જેમણે 2024ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને હરાવ્યા હતા.
ADVERTISEMENT
1.30 લાખ સ્મૃતિ ઈરાનીની હાર
અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ હરાવીને સમગ્ર દેશનો ચોંકાવી દીધો. સ્મૃતિ ઈરાનીની હાર રાહુલ ગાંધીની પાછલી હાર કરતા મોટી છે. તેઓ 1.30 લાખ મતોથી હાર્યા છે. કિશોરી લાલ શર્મા પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. તેમણે પોતાની જીત કોંગ્રેસ પાર્ટીને સમર્પિત કરી છે.
કેટલા મળ્યા મત?
કિશોરી લાલ શર્મા (KL Sharma) ગાંધી પરિવારના ખૂબ જ વિશ્વાસપાત્ર છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને 4,15,450 મત મળ્યા. સ્મૃતિ ઈરાનીને માત્ર 2,94,581 વોટ મળ્યા. ફાઈનલ ડેટા આવવાનો બાકી છે. પરંતુ મતોના આટલા મોટા માર્જિનથી કિશોરી લાલ શર્માની જીત થઈ હોવાનું સ્પષ્ટ છે.
કોણ છે કિશોરી લાલ શર્મા?
કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. તેઓ 1983માં રાજીવ ગાંધીની સાથે રાયબરેલી અને અમેઠીમાં પ્રવેશ્યા હતા. 40 વર્ષ પહેલા તેમણે પૂર્વ પીએમ રાજીવ ગાંધી સાથે વિધાનસભા મતવિસ્તારના સંયોજક તરીકે તેમની રાજકીય ઈનિંગની શરૂઆત કરી હતી. તેઓ નેહરુ યુવા કેન્દ્રમાં પદાધિકારી પણ રહ્યા. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો પારિવારિક બની ગયા. તેમને કોંગ્રેસ પાર્ટીના ચાણક્ય કહેવામાં આવે છે.
સોનિયા ગાંધીનો જમણો હાથ
રાજીવ ગાંધીના મૃત્યુ પછી સોનિયા ગાંધી રાજકારણમાં સક્રિય થયા ત્યારે કિશોરી લાલ શર્મા તેમના જમણા હાથ બન્યા. આ પછી 2004માં સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે અમેઠી સીટ છોડી અને પોતે રાયબરેલી આવી ગયા. ત્યારબાદ કિશોરી લાલ શર્મે આ બે બેઠકોની જવાબદારી પોતાના માથે લીધી. આ સમયગાળા દરમિયાન પાર્ટીએ તેમને ક્યારેક બિહારના પ્રભારી બનાવ્યા તો ક્યારેક પંજાબ કમિટીના સભ્ય બનાવ્યા.
રાહુલની હાર બાદ પણ અમેઠી છોડી નથી
2004, 2009 અને 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 2019ની ચૂંટણીમાં તેઓ સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. રાહુલની હાર બાદ પણ તેમણે અમેઠી છોડી નથી. કિશોરી લાલ શર્મા હંમેશા લોકો સાથે જોડાયેલા રહ્યા. તેઓ અમેઠી માટે ઉભા રહ્યા અને લોકોને મદદ કરતા રહ્યા. કેએલ શર્માની અમેઠીના દરેક ગામ અને વિસ્તાર સુધી પહોંચ છે. આ કારણે કોંગ્રેસે તેમને 2024માં અમેઠી સીટ પર તક આપી હતી. કિશોરી લાલે પણ પાર્ટી નેતૃત્વને નિરાશ કર્યા નથી. આ જીત હાંસલ કરીને તેણે રાહુલ ગાંધીની હારનો બદલો પણ સ્મૃતિ ઈરાની પાસેથી લઈ લીધો છે.
ADVERTISEMENT