Lok Sabha Election: ભાજપના 'માડમ'ને હરાવવા હકુભાએ ખેલ્યો ખેલ? દિલ્હી દરબારમાં 3 દિગ્ગજ નેતાઓને ઘરભેગા કરવાની માંગ!

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપમાંથી જ આંતરિક ડખ્ખો સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા ત્રણ નેતાઓને ઘરેભેગા કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પૂનમ માડમ અને હકુભા જાડેજા

Lok Sabha Election 2024

follow google news

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે  મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ (Gujarat BJP)માંથી જ આંતરિક ડખ્ખો સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા ત્રણ નેતાઓને ઘરેભેગા કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ નેતાગીરીએ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા (Hakubha jadeja), સાંસદ નારણ કાછડિયા (narayan kachhadiya) અને જવાહર ચાવડા (Jawaharbhai Chavda)ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ ત્રણેય નેતાઓ પર લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્યવાહી કરવાનો આક્ષેપ લાગ્યો છે. પ્રદેશ નેતાઓએ આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની હાઈકમાન્ડ સમક્ષ માંગ કરી છે. 

રૂપાલા વિવાદનો હકુભાએ ઉઠાવ્યો ફાયદો?

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (parsotam rupala) ના એક નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલઘુમ થઈ ગયો હતો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આંદોલનો કરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા મહાઅસ્મિતા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ રહ્યો હતો, છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ક્ષત્રિય સમાજે ધર્મરથ ફેરવીને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. શરૂઆતમાં આ વિરોધ રાજકોટ સુધી સીમિત હતો, બાદમાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ થવા લાગ્યો હતો. 

પરસોત્તમ રૂપાલા (ભાજપ ઉમેદવાર, રાજકોટ લોકસભા)

માડમને હરાવવાનો કર્યો ભરપૂર પ્રયાસઃ સૂત્રો 

આ તકનો લાભ ઉઠાવીને ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું. 

પૂનમ માડમ (ભાજપ ઉમેદવાર, જામનગર લોકસભા)

ચાવડાએ પણ પક્ષવિરોધી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ

તો બીજી બાજુ ભાજપ નેતા જવાહર ચાવડાએ પણ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પ્રદેશના નેતાઓએ જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,  જવાહર ચાવડાની ઘણા સમયથી ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજરી જોવા મળી રહી છે.માણવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણીએ પોતે જ કરી છે.

જવાહર ચાવડા (ભાજપ નેતા)

ટિકિટ કપાતા નારણ કાછડિયા નારાજ!

આ વખતે અમરેલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ચૂંટણી તો પતી ગઈ, હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે પ્રદેશ નેતાઓએ નારણ કાછડિયાની ફરિયાદ હાઈકમાન્ડને કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ કપાયા બાદથી જ નારણ કાછડિયા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે, ટિકિટ કપાયા બાદથી જ તેઓને થોડું થોડું પેટમાં દુખતું હતું પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓએ ખુલ્લીને બળાપો કાઢ્યો હતો અને ભરત સુતરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. 

નારણ કાછડિયા (સાંસદ, અમરેલી)

હાઈકમાન્ડ સમક્ષ કરાઈ માંગ

એટલું જ નહીં તેઓએ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે અને સાંસદ નારણ કાછડિયાને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાની માંગ હાઈકમાન્ડ સમક્ષ કરી છે.   


 

    follow whatsapp