Parshottam Rupala News: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધ આપેલા નિવેદનને લઈને વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાએ ગોંડલમાં જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં ક્ષત્રિયો તેમને માફી આપવાના મૂડમાં નથી. આ વચ્ચે હવે ખબર સામે આવી રહી છે કે ભાજપ તેમની ટિકિટ કાપી શકે છે અથવા તો પછી રાજકોટની જગ્યાએ અન્ય બેઠકથી પરશોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં રહેશે, કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
મોહન કુંડારિયાએ ફોર્મ ભરવાની તૈયારી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી છે. રિપોર્ટ્સ છે કે મોહન કુંડારિયાએ સર્કિટ હાઉસથી નો ડ્યૂના સર્ટિફિકેટ લીધા છે. જે ઉમેદવારી પત્ર ભરવા માટે કોઈ સરકારી લેણુ બાકી નથી તે દર્શાવવા માટે જરૂરી હોય છે. ત્યારે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે પરશોત્તમ રૂપાલાને હટાવીને ભાજપ કદાચ ફરીથી મોહન કુંડારિયાને ટિકિટ આપી શકે છે. જોકે ભાજપ દ્વારા હજુ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે પરશોત્તમ રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે અને તેમને બદલાશે નહીં. ત્યારે જોવાનું રહેશે કે મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે કે પછી પરશોત્તમ રૂપાલાને હટાવીને તેમને ટિકિટ અપાશે.
પરશોત્તમ રૂપાલાએ સ્પષ્ટતા કરતા શું કહ્યું?
આ વાત સામે આવતા જ પરશોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે પોતાની ઉમેદવારીનો કોઈ વિવાદ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ક્ષત્રિય ધર્મ મુજબ ક્ષત્રિયો મને માફ કરશે. મોહનભાઈ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ઉમેદવાર બદલવાની વાત મારા અને પાર્ટી વચ્ચે રહેશે. મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી.
આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર હુમલો, પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ
ક્ષત્રિય સમાજે કરી છે રાજકોટના ઉમેદવાર બદલવાની માંગ
નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન બાદથી રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાને હટાવવા માટે માંગ કરી છે. રાજ્યભરમાં તેમનો વિરોધ પણ ચાલી રહ્યો છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT