Lok Sabha Election 2024: ચૂંટણી સમય નજીક છે ત્યારે ગુજરાતમાં વધુ એક ભાજપના નેતાનો બફાટ સામે આવ્યો છે. હાલ ચૂંટણી માહોલ વચ્ચે ભાજપના આ નેતાના નિવેદનથી રાજકીય પરિસ્થિતી ગરમાય શકે છે. તો વાત જૂનાગઢના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. આ પ્રકારના અપશબ્દોથી રાજકીય માહોલ ગરમાય શકે છે.
ADVERTISEMENT
ભાયાણીના વાણીવિલાસ પર કોંગ્રેસના પ્રહાર
ભૂપત ભાયાણીના આ પ્રકારના નિવેદન બાદ રાજ્યમાં એક નવો વિવાદ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. ભાયાણીએ સભાને સંબોધતિ વખતે કહ્યું કે, રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં. જેના પર કોંગ્રેસના કાર્યકરોની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓએ હદ વટાવી છે, ભાયાણી બોલવામાં લગામ રાખવી જોઈએ. નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.
ભાયાણીની પ્રતિક્રિયા
જોકે, આ પ્રકારના વાણી વિલાસ બાદ ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું કે, ચૂંટણીલક્ષી વાતો ચાલતી હોય છે. એકબીજી પાર્ટીની વાત જનતા સમક્ષ મૂકતા હોય છે. ચૂંટણીલક્ષી વાત હોય. કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. અમે અમારી વાત જનતા સમક્ષ મૂકી છે. અંતમાં કહ્યું હતું કે, આ મારું વ્યકિતગત નિવેદન હતું, પાર્ટીનું નથી.
ભાજપ નેતા કિરીટ પટેલે પણ કર્યો હતો બફાટ
અગાઉ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો. કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કિરીટ પટેલને ફોન કરીને ટકોર કરી છે. જોકે, આ મામલે કિરીટ પટેલે વીડિયો દ્વારા માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ભાજપ નેતાના વિવાદાસ્પદ ભાષણથી મામલો ગરમાયો છે. કિરીટ પટેલે કહ્યું કે, 'મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. મારો ધ્યેય કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને તે દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારી વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો હું બે હાથ જોડીને ક્ષમા માંગુ છું.'
ADVERTISEMENT