Lok Sabha: મતદાનના દિવસે જ ગ્રામજનોએ અધિકારીઓને દોડતા કર્યા, આખા ગામમાં માત્ર 1 વોટ પડ્યો

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે રાજ્યના કેટલાક ગામડાઓમાં સ્થાનિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

Lok Sabha 2024

Lok Sabha 2024

follow google news

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે રાજ્યના કેટલાક ગામડાઓમાં સ્થાનિકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. લોકોની પડતર માંગો ન સંતોષાતા લોકો મતદાનથી દૂર રહ્યા હતા. તંત્ર દ્વારા અનેક વખત સમજાવવામાં આવતા તેઓ ટસના મસ નહોતા થયા. સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામે પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

બપોર સુધીમાં ગામમાં 1 વોટ પડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધંધુકા તાલુકાના રતનપર ગામે અઢી વાગ્યા સુધીમાં માત્ર એક મત પડ્યો હતો. ગ્રામજનોએ ગામની શાળા ફરી ચાલુ કરવાની માંગ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેથી ગ્રામજનોને સમજાવવા માટે પ્રાંત અને મામલતદાર દોડતા થયા હતા અને રતનપર ગામે પહોંચ્યા હતા.

અધિકારીઓએ સમજાવ્યા છતાં ગામલોકો ન માન્યા

આ દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદારે ગ્રામજનોના પ્રશ્ન મામલે ચૂંટણી બાદ જરૂરી સહકાર આપવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે તેમ છતાં ગ્રામજનોને વિશ્વાસ ન આવતા તેઓ ટસના મસ ન થયા અને મતદાન કરવા માટે નહોતા પહોંચ્યા. 

ગામમાં કેટલા મતદારો નોંધાયેલા છે?

રતનપર ગામે 318 મતદારોનો નોંધાયેલા છે. જોકે 8 કલાકમાં માત્ર એક જ મત પડ્યો હતો. નોંધનીય છે કે, ધંધુકા તાલુકાના રતનપર ગામની શાળાને બાજુના ગામમાં સ્થળાંતર કરવામાં આવતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ રતનપર ગામમાં ફરી શાળા શરૂ કરવાની  માંગ કરી રહ્યા છે. જોકે લાંબા સમયની રજૂઆત છતા સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આખરે મતદારોએ મતદાનના દિવસે જ સરકારને પોતાનો પરચો બતાવ્યો હતો.

    follow whatsapp