Lok Sabha Election 2024 Results: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 'અબ કી બાર, 400 પાર'નો નારો આપ્યો હતો. પરંતુ આજે જે પરિણામો આવ્યા છે તે ભાજપને વિચારવા મજબૂર કરી દે તેવા છે. હવે ખામીઓ ક્યાં રહી તે ચર્ચાનો વિષય છે, પરંતુ જે રાજ્યો પર જોરે ભાજપના નેતાઓ 400 પારનો નારો લગાવી રહ્યા હતા તેમાંથી સૌથી ભરોસાપાત્ર રાજ્યોમાં જ તેને સમર્થન મળ્યું નથી. એક-બે નહીં, કૂલ ચાર મોટા રાજ્યોમાં ભાજપને આ પ્રકારના પરિણામ આવવાનો અંદાજ પણ નહીં હોય.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા જનતા કઈ બાજુ રહેશે તેનો માત્ર અંદાજો લગાવી શકાય છે. વાસ્તવિકતાનો સામનો પરિણામના દિવસે જ થાય છે. હવે ભાજપમાં લાંબા સમય સુધી પરિણામોને લઈને મંથન ચાલશે, તેના કારણો પણ સામે આવશે. પરંતુ પરિણામો દર્શાવે છે કે ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું સમર્થન મળ્યું નથી. આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રે પણ ભાજપને આંચકો આપ્યો છે.
આ 4 રાજ્યોમાં ભાજપને નથી મળી સફળતા!
ભાજપને પશ્ચિમ બંગાળમાંથી શ્રેષ્ઠ પરિણામોની અપેક્ષા હતી, પરંતુ ફરી એકવાર મમતા બેનર્જી ભાજપ પર ભારે પડ્યા છે. એટલે કે યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે 'ખેલા' થઈ ગયો. જ્યારે 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન સૌથી સારું રહ્યું હતું. ભાજપને આશા હતી કે ગત ચૂંટણી કરતાં આ વખતે તે આ રાજ્યોમાંથી વધુ બેઠકો જીતશે. પરંતુ આંચકો એવો લાગ્યો કે વધારે સીટની વાત તો છોડો, પરંતુ ભાજપને છેલ્લી ચૂંટણી કરતાં પણ ઓછી બેઠકો મળતી હોય તેવું લાગી રહ્યું છે.
આ ચાર રાજ્યોમાં ખરાબ પ્રદર્શનને કારણે ભાજપ પોતે બહુમતથી દૂર રહી ગઈ છે. 2019ની ચૂંટણીમાં ભાજપને કુલ 302 બેઠકો મળી હતી પરંતુ આ વખતે 250નો આંકડો પાર કરવો મુશ્કેલ છે. વલણો અનુસાર, બીજેપી લગભગ 240 સીટો જીતતી જોવા મળી રહી છે, જેનો અર્થ છે કે 2019ની સરખામણીમાં બીજેપી લગભગ 60 સીટો ઓછી મળી શકે છે. જ્યારે ચૂંટણી પહેલા NDAએ 400 પારનો નારો આપ્યો હતો. પરંતુ હવે NDAને 300 બેઠકો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
યુપીમાં ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે
ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશથી લાગ્યો છે. જ્યાં NDAને લોકસભાની 80માંથી અડધી બેઠકો પણ જીતે તેવું લાગતું નથી. જ્યારે છેલ્લી ચૂંટણીમાં માત્ર યુપીમાં ભાજપે 62 બેઠકો જીતી હતી, આ વખતે તે 40થી ઓછી બેઠકો સુધી જ સીમિત જણાય છે. આ રીતે ભાજપે યુપીમાં ઓછામાં ઓછી 25 બેઠકો ગુમાવી છે.
2019માં પશ્ચિમ બંગાળમાં ભાજપને 18 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તે 11 પર અટકી જાય તેવું લાગી રહ્યું છે. જ્યારે અહીં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પશ્ચિમ બંગાળના ચોંકાવનારા પરિણામોની વાત કરી રહ્યા હતા. જ્યારે રાજસ્થાનમાં ભાજપ ગઠબંધન 2019માં તમામ 25 બેઠકો જીતી ગયું હતું. પરંતુ આ ચૂંટણીમાં માત્ર 14 બેઠકો જ મળે તેવું લાગી રહ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રમાં ભાજપને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે શિવસેના (ઉદ્ધવ જૂથ)ને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT