Gujarat Exit Polls 2024: દેશમાં લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું. શનિવારે મતદાન પૂર્ણ થયા બાદ 543 સીટો પરના એક્ઝિટ પોલ જાહેર થયા હતા. એક્ઝિટ પોલમાં દેશમાં ફરીથી NDA ગઠબંધનમાં ભાજપની સરકાર બની રહી છે. જોકે કેટલાક એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 25 સીટ આપી છે અને કોંગ્રેસ કે AAPને 1 સીટ મળે તેવી સંભાવના દર્શાવાઈ છે. જો આવું જાય તો 10 વર્ષ બાદ પહેલીવાર હશે જ્યારે ભાજપના અભેદ્ય કિલ્લામાં ગાબડુ પડે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો જીતી હતી.
ADVERTISEMENT
India Today - Axis My India ના એક્ઝિટ પોલમાં ભાજપમાં 25-26 સીટ અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે. ABP - CVoterના એક્ઝિટ પોલમાં પણ ભાજપને 25-26 અને કોંગ્રેસને 1 સીટ મળવાનો અંદાજ છે. ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 24-26 અને AAPને 2 સીટ મળવાનું અનુમાન છે. કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠા, આણંદ, જામનગર તથા રાજકોટમાં તે મજબૂત ટક્કર આપતી જણાય છે, તો AAP ભરૂચ-ભાવનગરમાં ચૂંટણી લડી રહી છે. ત્યારે તમામ સીટ પરના સમીકરણો પર એક નજર કરીએ.
ભાવનગર લોકસભા
દેશભરની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસ અને AAP ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડ્યા છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચની લોકસભા સીટ પરથી AAPના બે ઉમેદવાર ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં છે. ભાવનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર 1991થી ભાજપ જીતતું આવ્યું છે. AAP દ્વારા આ સીટ પર ઉમેશ મકવાણાને ટિકિટ અપાઈ હતી, જે કોળી સમાજમાંથી આવે છે. તો ભાજપે નીમુબેન બાંભણીયાને ટિકિટ આપી હતી. ભાવનગરમાં કોળી મતદારોનું પ્રભુત્વ વધારે છે. ત્યારે ચાણક્યનો એક્ઝિટ પોલ સાચો પડે તો કોંગ્રેસ નહીં પરંતુ AAPના કારણે ભાજપના ગઢમાં ગાબડું પડી શકે છે.
ભરૂચ લોકસભા
આવી જ રીતે ભરૂચ લોકસભા બેઠકમાં પણ AAPના ચૈતર વસાવા, ભાજપના સાત ટર્મના સાંસદ મનસુખ વસાવા સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ચૈતર વસાવા ડેડિયાપાડા બેઠકથી AAPના ધારાસભ્ય છે અને પહેલી જ વાર ચૂંટણી લડતા તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા. મનસુખ વસાવા સામે ચૈતર વસાવાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા
હવે આ એક બેઠક ગુજરાતની આ વખતની સૌથી ચર્ચિત બનાસકાંઠા બેઠક હોય શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.કારણ કે આ વખતે બનાસકાંઠામાં જે રીતે મતદાન થયું છે અને બનાસની બેન ગેનીબેન નામે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. તેને જોતાં અને જે રીતે ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના (India Today-Axis My India Exit Poll 2024) એક્ઝિટ પોલમાં કોંગ્રેસને એક બેઠક મળી રહી છે તેના આધારે એવું અનુમાન છે કે કોંગ્રેસનું આ વખતે ગુજરાતમાં ખાતું ખુલશે અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત થઈ શકે છે. ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે એકમાત્ર બેઠક એવી પણ છે જ્યાં 2019 ની સરખામણીથી પણ વધુ મતદાન થયું છે. આ બેઠક છે બનાસકાંઠા કે જ્યાં વર્ષ 2019 માં 65 ટકા મતદાન થયું હતું જે આ વખતે રેકોર્ડબ્રેક બનીને 68.44 ટકા નોંધાયું છે.
આણંદ લોકસભા
આણંદની લોકસભા બેઠક પર આ વખતે ઉલટફેર જોવા મળે તો નવાઈ નહીં. અહીં કોંગ્રેસ તરફથી અમિત ચાવડા તો ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતાર્યા હતા. આણંદમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની અસર આણંદમાં પણ થઈ હતી અને ઘણી જગ્યાએ ભાજપના પ્રચાર વખતે ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો હતો. 2014થી આ બેઠક પર ભાજપનો દબદબો છે, જોકે આ પહેલા અહીં કોંગ્રેસ મજબૂત હતી.
જામનગર લોકસભા
એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ક્ષત્રિય આંદોલન અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાના કારણે જામનગરમાં ભાજપનો અભેદ કિલ્લો તૂટશે? પૂનમ માડમના સામ્રાજ્યનો અંત આવી શકે છે કેમ તે જોવાનું રહ્યું. ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે તો એટલા માટે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે. આ પ્રકારની અટકળો પાછળનું મુખ્ય કારણએ છે કે, ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું.
રાજકોટ લોકસભા
આમ તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલા મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, પરંતુ ક્ષત્રિય આંદોલનના કારણે આ વખતે અહીં પણ ભારે રસાકસી ભરી જંગ જોવા મળી શકે છે. આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો. વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો. આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો. વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો.
હવે જોવાનું એ રહેશે કે 4 જૂનના રોજ ચૂંટણી પરિણામ જાહેર થાય છે ત્યારે ગુજરાતમાં INDIA અલાયન્સ મોટો ઉલટફેર કરી શકશે કે પછી ફરી તમામ 25 બેઠકો પર ભાજપનો કેસરીયો જોવા મળશે.
ADVERTISEMENT