Gujarat Election Results 2024 : દક્ષિણ ગુજરાતની તમામ બેઠક પર ભાજપનો કબજો, ચૈતર વસાવાએ આપી ટક્કર

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે અને વલણો પણ આવવાના શરૂ થઈ ગયા છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો ગુજરાતની 26 માંથી 25 બેઠકો પર મતગણતરી યોજાશે. સુરત બેઠક પર પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠકના પરિણામની તમામ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહો.

Gujarat Lok Sabha Election Results

Gujarat Lok Sabha Election Results

follow google news

South Gujarat Lok Sabha Election 2024 Results Updates : લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે ત્યારે હાલ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો ગુજરાતની 26 માંથી 25 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપે 25 બેઠકો પર કબજો કર્યો છે અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. સુરત બેઠક પર પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના પરિણામની તમામ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહો.

લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ પરિણામ
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)  ભાજપની જીત
બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી  ભાજપની જીત
નવસારી સી.આર. પાટીલ નૈષધ દેસાઈ  ભાજપની જીત
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ  ભાજપની જીત
સુરત મુકેશ દલાલ (બિનહરીફ) નિલેશ કુંભાણી (સસ્પેન્ડ) ભાજપની જીત

નવસારી લોકસભા બેઠકનું પરિણામ : ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની જીત

નવસારી લોકસભા મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકન પછી બનાવવામાં આવ્યું હતું. નવસારી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. આ લોકસભા મતવિસ્તાર હેઠળ મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી છે, જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ બેઠક પર 2 લાખથી વધુ મુસ્લિમ મતદારો છે. જ્યારે લગભગ 15 ટકા મતદારો કોળી સમાજના છે. આ લોકસભા બેઠક પર મતદારોનો સૌથી મોટો વર્ગ બાહ્ય મતદારો છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના મતદારોની સંખ્યા અંદાજે પચાસ ટકા છે.

લિંબાયત, ચોર્યાસી, ગણદેવી, ઉધના, જાલાપોર, મજુરા અને નવસારી વિધાનસભા બેઠકો આ લોકસભા બેઠક હેઠળ આવે છે. જાલાપોરમાંથી ભાજપ, નવસારીમાંથી ભાજપ, ગણદેવીમાંથી ભાજપ, લિંબાયતમાંથી ભાજપ, ઉધનાથી ભાજપ, મજુરામાંથી ભાજપ અને ચોર્યાસીમાંથી ભાજપનો વિજય થયો હતો.

2009નો જનાદેશ : આ બેઠક પર પ્રથમ ચૂંટણી 2009માં થઈ હતી. જો કે, આ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી હતી, પરંતુ પહેલીવાર ભાજપે આ બેઠક જીતી હતી. ભાજપના ઉમેદવાર ચંદ્રકાંત રઘુનાથ (સી.આર.) પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને હરાવ્યા હતા. તેમણે ધનસુખે લગભગ 13 હજાર મતોથી હરાવ્યા હતા.

2014નો જનાદેશ : 2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ મોદી લહેર સામે જીતી શકી નહોતી. સી.આર. પાટીલે આ બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડી હતી અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા મકસૂદ મિર્ઝાને લગભગ 56 હજાર મતોના જંગી અંતરથી હરાવ્યા હતા. સી.આર. પાટીલને 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસૂદ મિર્ઝાને 2,62,715 મત મળ્યા હતા.

2019નો જનાદેશ : 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના સી.આર. પાટીલ જીત્યા, તેમને 9,72,739 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધર્મેશભાઈ ભીમભાઈ પટેલને 2,83,071 અને બસપાના વિનીતા અનિરુદ્ધ સિંહને માત્ર 9,366 મત મળ્યા હતા.

2024નો જનાદેશ : નવસારી બેઠક પર સી.આર.પાટીલે મોટી લીડ સાથે જીત મેળવી છે. અહીં 2019માં અહીં પાટીલે 6 લાખ 89 હજાર 668 મતની લીડ સાથે જીત મેળવી હતી. જેની સામે 2024માં 7,73,551મતની લીડ સાથે જીત મેળવીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. મતગણતરીની શરૂઆતથી લઈને અંત સુધી પાટીલ જ આગળ રહ્યા હતા. પાટીલની લીડ જોઈને કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ હાર સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, 'જો પાટીલ 10 લાખની લીડ મેળવશે તો હું ભવિષ્યમાં ચૂંટણી નહીં લડું.'

બારડોલી લોકસભા બેઠક : ભાજપના ઉમેદવાર પરભુ વસાવાની જીત 

બારડોલી લોકસભા મતવિસ્તાર 2008માં સંસદીય મતવિસ્તારના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. અહીં 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સાંસદ કોંગ્રેસના તુષાર અમરસિંહ ચૌધરી હતા.

બારડોલી એ સુરત મહાનગર વિસ્તારમાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. મીંઢોળા નદીના કિનારે દક્ષિણ ગુજરાતમાં સ્થિત, તે સુરતથી લગભગ 35 કિમી પૂર્વમાં આવેલું છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, બારડોલી નગરપાલિકાની વસ્તી 51,963 હતી, જેમાંથી 26,701 પુરૂષો જ્યારે 25,262 સ્ત્રીઓ છે. બારડોલી શહેરનો સાક્ષરતા દર 86.78 ટકા છે.

બારડોલી બેઠક પર એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ત્યારે હવે આ બેઠક પર ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. બારડોલી બેઠક માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી. 1957માં પહેલી ચૂંટણી થઈ ત્યારથી 1998 સુધી સળંગ કોંગ્રેસને જ જીત મળી. 1999માં એકવાર ભાજપને આ સીટ મળી પણ પછી 2004 અને 2009ની ચૂંટણીમાં ફરી આ સીટ કોંગ્રેસ પાસે ગઈ. 

2009નો જનાદેશ : 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને 3,98,430 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રિતેશ કુમાર વસાવાને 3,39,445 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસે ભાજપને હરાવ્યું હતું. 2004ની લોકસભા ચૂંટણીમાં પણ તુષાર ચૌધરી જ સાંસદ બન્યા હતા.

2014નો જનાદેશ : 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પરભુભાઈ વસાવાની 6,22,769 મતે જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના તુષારભાઈ ચૌધરીની હાર થઈ હતી. તેમને 498,885 મત મળ્યા હતા.

2019નો જનાદેશ : 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના પરભુભાઈ વસાવાએ જીત મેળવી હતી, તેમને 7,42,273 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના તુષાર અમરસિંહ ચૌધરી 5,26,826 મતો સાથે બીજા ક્રમે અને 22,914 મતદારોએ NOTA બટન દબાવ્યું.

2024નો જનાદેશ : 2004 અને 2009માં કોંગ્રેસના ડો. તુષાર ચૌધરી સાંસદ બન્યા પણ 2014 અને 2019માં મોદી લહેરના કારણે ભાજપને ફાળે આ સીટ ગઈ. 1999માં પણ ભાજપ આ બેઠક પર જીત્યું હતું. ત્યારે હવે 2024માં ભાજપના ઉમેદવાર પરભુ વસાવાની જીત થઈ છે. 7,63,950 મત પ્રભુ વસાવાને મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને 5,33,697 મત મળ્યા હતા.
 

ભરૂચ લોકસભા બેઠક : ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની 7મી જીત 

ભરૂચ એ ગુજરાતનો લોકસભા મતવિસ્તાર અને જિલ્લો છે. ભરૂચ જિલ્લામાં 1 લોકસભા મતવિસ્તાર અને 5 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. ભરૂચ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારે આવેલું છે. ભરૂચના ઔદ્યોગિક વિસ્તારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં પણ અજોડ છે. આ પ્રદેશની પશ્ચિમે અરબી સમુદ્ર છે. આ વિસ્તાર લીલાછમ જંગલોથી ભરેલો છે. વારાણસી પછી દેશનું બીજું સૌથી જૂનું શહેર ભરૂચ ઘણી રીતે સમાચારોમાં રહે છે. એક વિધાનસભા, બરોડાની કરજણ વિધાનસભા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા ભરૂચ લોકસભામાં ઉમેરવામાં આવી હતી, ત્યારબાદ આ લોકસભામાં મુસ્લિમ મતદારોની સંખ્યા ઘટીને 22.2 ટકા થઈ ગઈ છે.

ભાજપ 1989થી સતત આદિવાસી ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. કોંગ્રેસને મુસ્લિમ મતો સિવાય અન્ય જ્ઞાતિના મતો મળતા નથી. આ લોકસભા ક્ષેત્રમાં લગભગ 6 લાખ આદિવાસી મતદારો, 3 લાખ 50 હજાર મુસ્લિમ મતદારો અને લગભગ 1.5 લાખ દલિત મતદારો છે. આ લોકસભામાં છોટુભાઈ વસાવા ત્રીજા ખેલાડી હતા.

1951માં આઝાદી બાદ શરૂ થયેલો આ સીટ કોંગ્રેસ જીતવાનો ટ્રેન્ડ ઈંદિરા ગાંધીના સમયમાં ઈમરજન્સી દરમિયાન પણ ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ અહીંથી 1984 સુધી જીતતી રહી. ભારતીય જનતા પાર્ટી 1989માં પહેલીવાર અહીંથી જીતી હતી. ત્યારથી ભાજપ અહીંથી એક પણ વખત ચૂંટણી હારી નથી.

રાજનીતિની દૃષ્ટિએ આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોંગ્રેસે પ્રથમ આઠ ચૂંટણી જીતી હતી જ્યારે છેલ્લી નવ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આ બેઠક પર 1998માં એકવાર પેટાચૂંટણી થઈ હતી અને તેમાં પણ ભાજપનો વિજય થયો હતો. એટલે કે 1989 થી 2014 સુધી આ બેઠક પર યોજાયેલી તમામ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ કે પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા રહ્યા.

2014નો જનાદેશ : 2014ની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલને 1.53 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. મનસુખ વસાવાને 548,902 મત અને જયેશ પટેલને 395,629 મત મળ્યા હતા.

2019નો જનાદેશ : ભરૂચમાં 17 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. જોકે, અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થવાની ધારણા હતી. ભાજપે અહીંથી મનસુખ વસાવાને ટિકિટ આપી હતી જ્યારે કોંગ્રેસ તરફથી શેરખાન પઠાણ મેદાનમાં હતા. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ ચીમન વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. 2019ની લોકસભામાં ભાજપના મનસુખ વસાવાને 6,37,795 વોટ, કોંગ્રેસના શેરખાનને 3,03,581 વોટ અને BTPના છોટુ વસાવાને 1,44,083 વોટ મળ્યા હતા. આ લોકસભા સીટ પર 71.79 ટકા મતદાન થયું હતું.

2024નો જનાદેશ : ગુજરાતમાં INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગર બેઠક ફાળવવામાં આવી હતી. ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપી હતી અને ભાજપે છ વખતના સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામના અંતે મનસુખ વસાવા સતત સાતમી વાર આ બેઠક જીતવામાં સફળ રહ્યા છે. જો કે, મનસુખ વસાવાની લીડમાં મોટો ઘટાડો થયો છે. અહીં 2019 મનસુખ વસાવાએ 3,34,214 મતની લીડ સાથે જીત મેળવી. જેની સામે 2024માં 85,696 મતની લીડથી વિજય થયો છે.

વલસાડ લોકસભા બેઠક : ભાજપના ઉમેદવાર ધવલ પટેલની જીત 

વલસાડ લોકસભા મતવિસ્તાર એ ગુજરાતના 33 જિલ્લાઓ પૈકીનો એક છે. તે ઉત્તરમાં નવસારી જિલ્લો અને પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લોથી ઘેરાયેલો છે. તે 3008 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને છ તાલુકાઓમાં વહેંચાયેલું છે - વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુર.

2011ની વસ્તી ગણતરી મુજબ, વલસાડ લોકસભા મતવિસ્તારની વસ્તી 23,00,449 છે. આમાં, 70.69% વસ્તી ગ્રામીણ અને 29.31% વસ્તી શહેરી છે. અનુસૂચિત જાતિની વસ્તી 1.84 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 62.69 ટકા છે. 2018ની મતદાર યાદી મુજબ અહીં 16,24,322 મતદારો છે. અહીં મુસ્લિમોની વસ્તી લગભગ 6 ટકા છે.

ડાંગ, વલસાડ, ઉમરગાંવ, વાંસદા, પારડી, ધરમપુર, કપરાડા વિધાનસભા બેઠકો આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધરમપુરમાંથી ભાજપ, વલસાડમાંથી ભાજપ, પારડીમાંથી ભાજપ, કપરાડામાંથી કોંગ્રેસ, ઉમરગાંવમાંથી ભાજપ, ડાંગમાંથી કોંગ્રેસ અને વાંસદામાંથી કોંગ્રેસ જીતી હતી.

આ બેઠક દેશની રાજનીતિ માટે ખૂબ જ લકી માનવામાં આવે છે. આ બેઠક અંગે ચર્ચા છે, સત્તાનો માર્ગ અહીંથી નક્કી થાય છે. અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત આ બેઠક પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. ભૂતકાળની ઘણી ચૂંટણીઓમાં આવું જોવા મળ્યું છે. જોકે, અગાઉ આ બેઠક બુલસર તરીકે જાણીતી હતી.

2014નો જનાદેશ : કે.સી. પટેલની 6,17,772 મતથી જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસના કિશન પટેલને 4,09,768 મત મળ્યા હતા.

2019નો જનાદેશ : ભાજપના કે.સી. પટેલનો 7,71,980 મતોથી વિજય થયો હતો અને કોંગ્રેસની હાર થઈ હતી. કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 4,18,183 મત મળ્યા હતા. બસપાના કિશોરભાઈ પટેલને 15,359 મત મળ્યા હતા.

2024નો જનાદેશ : સતત બે ટર્મ જીતેલા સાંસદ કે.સી. પટેલની ટિકિટ કાપીને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેને લઈને વલસાડ ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર નોંધાયું હતું. આમ, 2 લાખ કરતા વધુ મતની લીડથી કોંગ્રેસના અનંત પટેલ સામે જીત મેળવી. જોકે 2019ની સરખામણીએ 2024માં ભાજપની લીડમાં ઘટાડો થયો છે.

Navsari Lok Sabha Result : સી.આર.પાટીલે દેશમાં ત્રીજા નંબરની લીડ મેળવી

નવસારી બેઠક પર પાટીલની ઐતિહાસિક લીડ સાથે જીત થઈ છે. નવસારી બેઠક પર સી.આર. પાટીલે 2019માં 6,89,668 લીડ સાથે જીત મેળવી હતી. 2024માં પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવસારી બેઠક પર પાટીલે 7 લાખ 67 હજારથી વધુની લીડ મેળવી છે. એટલે કે નવસારી બેઠક પર પાટીલનો ઐતિહાસિક લીડ સાથે વિજય થયો છે.

3:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

Navsari Lok Sabha Result : સી.આર.પાટીલે 6 લાખની મેળવી લીડ

નવસારી બેઠક પર સી.આર.પાટીલને 8,02,826 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 2,02,181 મત મળ્યા છે. આમ, ભાજપ 6,00,645 મતથી આગળ ચાલી રહ્યું છે.
 

2:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

  • ભરૂચ બેઠક પર મનસુખ વસાવા 96,120 મતથી આગળ છે. ત્યારે કોંગ્રેસના ચૈતર વસાવાએ કહ્યું- 'જીતીશું અથવા શીખીશું.'
  • બારડોલીથી ભાજપના પ્રભુ વસાવા દોઢ લાખથી વધુ મતથી આગળ છે. ત્યારે પ્રભુ વસાવાની જીત નિશ્ચિત છે.
  • નવસારીથી ભાજપના સી.આર. પાટીલ 5,27,770 મતથી આગળ છે. ત્યારે સી.આર. પાટીલની જીત નિશ્ચિત છે.
  • વલસાડથી ભાજપના ધવલ પટેલ 2,12,218 મતથી આગળ છે. ત્યારે ધવલ પટેલની જીત પણ નક્કી છે.

12:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

Navsari Lok Sabha Result : નવસારી બેઠક પર સી.આર.પાટીલને 3 લાખની લીડ

નવસારી બેઠક પર સી.આર.પાટીલને 4,34,807 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 97,562 મત મળ્યા છે. આમ, ભાજપ 3 લાખ 37 હજાર મતથી આગળ ચાલી રહ્યું છે.

Valsad Lok Sabha Result : વલસાડ બેઠક પર ભાજપને દોઢ લાખની લીડ

વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલને 6,13,570 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અનંત પટેલને 4,30,666 મત મળ્યા છે. આમ, ભાજપ 1 લાખ 82 હજાર મતથી આગળ ચાલી રહ્યું છે.

Bharuch Lok Sabha Result : ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ

ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને 3,94,622 મત મળ્યા છે. જ્યારે આપના ચૈતર વસાવાને 3,35,088 મત મળ્યા છે. આમ, ભાજપ 59 હજાર મતથી આગળ ચાલી રહ્યું છે.

Bardoli Lok Sabha Result : બારડોલી બેઠક પર ભાજપને દોઢ લાખની લીડ

બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 5,14,992 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને 3,38,242 મત મળ્યા છે. આમ, ભાજપ 1 લાખ 76 હજારની લીડથી આગળ છે.

11:30 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

  • નવસારીમાં ભાજપના સી.આર. પાટીલ 3 લાખ મતથી આગળ, નૈષધ દેસાઈ પાછળ
  • ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા 61 હજાર મતથી આગળ, ચૈતર વસાવા પાછળ
  • વલસાડમાં ભાજપના ધવલ પટેલ દોઢ લાખ મતથી આગળ, અનંત પટેલ પાછળ
  • બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા 1,59,476 મતથી આગળ, તુષાર ચૌધરી પાછળ

10:40 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

Navsari Lok Sabha Result : નવસારી બેઠક પર સી.આર.પાટીલ આગળ

નવસારી બેઠક પર સી.આર.પાટીલને 1,10,432 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 34,762 મત મળ્યા છે. આમ, ભાજપ 75 હજાર મથી આગળ ચાલી રહ્યું છે.

Valsad Lok Sabha Result : વલસાડ બેઠક પર ભાજપ આગળ

વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલને 2,36,505 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અનંત પટેલને 1,27,066 મત મળ્યા છે. આમ, ભાજપ 1,09,439 મતથી આગળ ચાલી રહ્યું છે.

Bardoli Lok Sabha Result : બારડોલી બેઠક પર ભાજપની લીડમાં વધારો

બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 1,79,586 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને 1,18,819 મત મળ્યા છે. આમ, ભાજપ 60 હજારનીની લીડથી આગળ છે.
 

10:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

Navsari Lok Sabha Result : નવસારી બેઠક પર સી.આર.પાટીલ આગળ

નવસારી બેઠક પર સી.આર.પાટીલને 88,783 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈને 23,683 મત મળ્યા છે. આમ, ભાજપ 65 હજાર મથી આગળ ચાલી રહ્યું છે.

Bharuch Lok Sabha Result : ભરૂચ બેઠક પર મનસુખ વસાવા આગળ

ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને 1,53,031 મત મળ્યા છે. જ્યારે આપના ચૈતર વસાવાને 1,01,573 મત મળ્યા છે. આમ, ભાજપ 51 હજાર મતથી આગળ ચાલી રહ્યું છે.

Valsad Lok Sabha Result : વલસાડ બેઠક પર ભાજપ આગળ

વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલને 2,19,823 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અનંત પટેલને 1,17,920 મત મળ્યા છે. આમ, ભાજપ 1,01,903 મતથી આગળ ચાલી રહ્યું છે.

Bardoli Lok Sabha Result : ત્રીજા રાઉન્ડમાં ભાજપ આગળ

બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 1,16,274 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને 71,894 મત મળ્યા છે. આમ, ભાજપ 44,380ની લીડથી આગળ છે.

9:30 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતનું પરિણામ

  • ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા 10 હજાર મતથી આગળ, ચૈતર વસાવા પાછળ
  • બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા 25 હજાર મતથી આગળ, સિદ્ધાર્થ ચૌધરી પાછળ
  • નવસારીમાં ભાજપના સી.આર. પાટીલ 38 હજાર મતથી આગળ, નૈષધ દેસાઈ પાછળ
  • વલસાડમાં ભાજપના ધવલ પટેલ 8 હજાર મતથી આગળ, અનંત પટેલ પાછળ

Lok Sabha Election Results : સુરત બેઠક પર પહેલા જ ભાજપે મેળવી છે જીત

ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર જ લોકસભા માટે મતદાન થયું હતું. ત્યારે આજે 25 બેઠકો પર જ મતગણતરી યોજાઈ રહી છે. કારણ કે સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Results) પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીત્યા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને અન્ય ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચ્યા હતા.

Lok Sabha Election Results : દેશમાં 1224 મતગણતરી કેન્દ્ર

દેશની 543 બેઠકોના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. દેશમાં 1224 મતગણતરી કેન્દ્ર બનાવાયા છે. અહીં મતગણતરી યોજાઈ રહી છે. મતગણતરી પ્રક્રિયામાં અંદાજિત 22 લાખ અધિકારી સામેલ છે. 

Lok Sabha Election Results :  ગુજરાતમાં 60.13 ટકા થયું હતું મતદાન

ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પરના 266 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગત 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું, ગુજરાત લોકસભામાં 60.13 ટકા મતદાન થયું હતું.

    follow whatsapp