Parshottam Rupala Controversy: ગુજરાતમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. આ વખતે દરેક લોકોની નજર રાજકોટ બેઠક પર છે, કારણ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે હજુ પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. રૂપાલાએ ત્રણ-ત્રણ વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂડમાં નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ન ખેંચાતા હવે ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતના શહેરોથી માંડીને નાના-નાના ગામડાઓ સુધી ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ગામડાઓમાં તો કોઈ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં તેવા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ક્ષત્રિયો ભાજપ સામે લડી લેવાના મૂડમાં
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રાચાર પડઘમ ગઈકાલ સાંજથી શાંત થઈ ગયો છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. મતદારોને આકર્ષવા માટે વિવિધ વાયદાઓ આપવા ઉપરાંત નાસ્તાના પેકેટો પણ રાજકીય પક્ષો દ્વારા ઘરે-ઘરે વહેચવામાં આવ્યા છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્ષત્રિયાઓ સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે 'અમારા ઘરે કોઈ ભાજપ નેતાએ ચવાણું આપવા માટે આવવું નહીં.'
'ચવાણા' પર રાજનીતિ
ગુજરાતમાં હવે 'ચવાણા' પર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણાનું પેકેટ વાયરલ થઈ રહ્યું છે. સાથે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી. કોઈ ભાજપ નેતાએ અમારા ઘરનો ઉમરો ચઢવો નહીં. તમારો અને અમારો સંબંધ લાખ રૂપિયાનો હશે તો પણ અમે ભાજપ વિરુદ્ધ સંબંધ બગાડી નાખીશું.
ADVERTISEMENT