Rajkot News: રાજકોટ બેઠક પરથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એકબાજુ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી તરફ ક્ષત્રિયો પર આપેલા તેમના નિવેદનનો વિરોધ હજુ પણ યથાવત છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ઈન્દીરા સર્કલ નજીક અજાણ્યા વ્યક્તિ દ્વારા પરષોત્તમ રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકવામાં આવી હતી. ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે બ્રિજની નીચે પરષોત્તમ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જોકે તેના પર અજાણ્યા વ્યક્તિ દ્વારા શાહી ફેંકાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પિતાની બીમારીના કારણે કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડવાનો ઈનકાર કરનારા રોહન ગુપ્તા BJPમાં જોડાયા
જામનગરમાં પણ ક્ષત્રિય મહિલાઓનો વિરોધ
રાજકોટની સાથે સાથે જામનગરમાં પણ ક્ષત્રિય બહેનો દ્વારા પરષોત્તમ રૂપાલાનો ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વુલનમિલ વિસ્તારમાં ભાજપની સભાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે સભા શરૂ થાય તે પહેલા જ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કાર્યક્રમમાં ગોઠવાયેલી ખુરશીઓ ઊંધી કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, દ્રશ્યો જોઈને માઈ ભક્તો થયા ભાવુક
પરષોત્તમ રૂપાલાનો રાજકોટમાં ચૂંટણી પ્રચાર
તો બીજી તરફ રાજકોટમાં પાટીદારોના ગઢ ગણાતા કુવાડવા રોડ પર પરષોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન રામ મોકરિયા, મોહન કુંડારિયા તથા શહેર પ્રમુખ મુકેશ દોષી, મેયર નયનાબેન પેઢડિયા અને ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરષોત્તમ રૂપાલાએ 5 કિલોમીટર સુધીની પદયાત્રા કરી હતી અને ઢોલ-નગારાના તાલે જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT